ગુજરાત
News of Tuesday, 3rd November 2020

મતદાનમાં 'કોરોના' ન નડયોઃ પરિણામ ઇતિહાસ સર્જશે

બપોર સુધીનું સરેરાશ ૪૦%થી મતદાન કોઇ તરફી કે વિરોધી મોજુ સૂચવે છે

રાજકોટ તા. ૩ :.. આજે ગુજરાત વિધાનસભાની ૮ બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન ચાલી રહ્યુ છે. સવારે ૭ વાગ્યાની શરૂ થયેલ મતદાન સાંજે ૬ વાગ્યા સુધી ચાલનાર છે.

દર વખત કરતા આ વખતે ચૂંટણી પંચે મતદાનમાં બે કલાક વધુ ફાળવી છે. કોરોના પછી જનાદેશનો પ્રથમ પ્રસંગ છે. કોરોનાના કારણે મતદાનનાં આંકડા પર વિપરીત અસર પડશે તેવી ધારણા હતી. પરંતુ બપોર સુધીમાં પ્રવાહ જોતા ચૂંટણીમાં મતદાનમાં કોરોના નડયો હોય તેમ દેખાતું નથી. મહામારી વચ્ચે પણ મતદારોએ મતદાન કરીને ઇતિહાસ સર્જયો છે તે જ રીતે પરીણામનાં પણ ઇતિહાસ સર્જાય તેવા સંકેત છે.  કોઇપણ પક્ષ તરફી કે વિરોધી મોજુ હોય તેવુ અનુમાન થઇ રહ્યું છે.

ગુજરાતની આઠ બેઠકોમાં બપોરે ૩ વાગ્યા સુધીમાં સરેરાશ ૪૦ ટકાથી વધુ મતદાન થઇ ગયુ છે. હજુ મતદાનનાં ત્રણ કલાક બાકી છે. ચૂંટણી પંચે મતદાન જાગૃતિ માટે ઝૂંબેશ ચલાવી હતી.

મતદાન મથક પર પણ થર્મલ સ્કેનીંગ, સેનીટાઇઝેશન, હાથ ગ્લોઝ વગેરેની વ્યવસ્થા રાખવામાં આવી છે અને સોશ્યલ ડીસ્ટન્સની જાળવણી પરભાર મુકવામાં આવ્યો છે. સામાન્ય રીતે જન આરોગ્ય પર જોખમ હોય ત્યારે લોકો બહાર નીકળતા ડરતા હોય છે. આ વખતે કોરોના કાળમાં પણ મતદાનનું પ્રમાણ નોંધપાત્ર છે. ભાજપ, આ વિકાસ તરફી મોજુ ગણે છે. જયારે કોંગ્રેસ સરકાર વિરૂધ્ધનો આક્રોશ માને છે.

જો કોઇ મોજુ નિકળેતો મોટાભાગની અથવા તમામ બેઠકો એક જ પક્ષને મળી શકે છે. આ ચૂંટણીમાં ભાજપે વિકાસના મૃદ્દા પર મત માંગેલ, કોંગેસે ધારાસભ્યનાં પક્ષ પલ્ટાને મુખ્યો મુદ્દો બનાવ્યો છે. કયાં પક્ષને કેટલી બેઠકો મળશે તે બાબતે વિભિન્ન મત છે.તા.૧૦મીએ પરિણામ સામે આવી જાશે. પેટાચૂંટણીનું પરિણામ ગુજરાતનાં રાજકરણની દિશા નક્કી કરશે.

(3:40 pm IST)