ગુજરાત
News of Tuesday, 3rd November 2020

સુરતના મોટા વરાછામાં મંદબુદ્ધિ આશ્રમનો કોરો લેટર પેડ આપવાની મનાઈ કરતા ત્રણ માથાભારે શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ

સુરત: શહેરના મોટા વરાછાના રામ ચોક વિસ્તારમાં નિરાધાર માનવ સેવા મંદબુધ્ધિ આશ્રમનો કોરો લેટર પેડ આપવાનો ઇન્કાર કરનાર આશ્રમ ટ્રસ્ટરના પ્રમુખના પિતાને માર મારી અહીં રહેવું હોય તો હું કહું એમ કરવું પડશે નહીં તો આજે માર પડયો છે બીજી વખત જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપનાર ત્રણ માથાભારે વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાય છે.
મોટા વરાછાના રામ ચોક સ્થિત ખડી ફળીયામાં આવેલા રૂદ્રાક્ષ રેસીડન્સીની સામે નિરાધાર માનવ સેવા મંદબુધ્ધિ આશ્રમના પ્રમુખ જયસુખ કથિરીયાનો પુત્ર ધવલ (.. 20) અને પિતા કરશનભાઇ (.. 73) ગત સાંજે 7 વાગ્યે નિરાધારને બિસ્કીટનું વિતરણ કરી આશ્રમ પાસે ઉભા હતા. ત્યારે આશ્રમની બાજુમાં રહેતા દિલીપ પેરીસ નામના યુવાને કરશનભાઇ પાસે આશ્રમના કોરો લેટર પેડની માંગણી કરી હતી. પરંતુ પુત્ર જયસુખ હાલમાં નથી આવશે ત્યારે લેટર પેડ લઇ જજો એમ કહેતા વેંત દિલીપ અને તેના બે મિત્રો ઉશકેરાય ગયા હતા અને વૃધ્ધ કરશનભાઇને ગાળો આપી માર મારવાનું શરૂ કર્યુ હતું. જેથી ધવલ ત્યાંથી ભાગી ગયો હતો અને થોડે દુર જઇ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરવાની સાથે પરત દાદાને બચાવવા આવ્યો હતો. જેથી દિલીપ પેરીસ અને તેના બે મિત્ર હિતેશ અને રાજુએ ચપ્પુ બતાવી ધમકી આપી હતી કે અહીં રેહવું હોય તો હું કહું એમ કરવું પડશે, નહીંતર આજે ખાલી માર પડયો છે હવે પછી જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપી ભાગી ગયા હતા.

(5:52 pm IST)