ગુજરાત
News of Tuesday, 3rd November 2020

આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે 97200ના વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો

આણંદ:લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ગઈકાલે અક્ષર ફાર્મ રોડ ઉપર આવેલા કાન્હાકુઈ બંસીબા સોસાયટી સામે આવેલા છાપરામાં છાપો મારીને એક શખ્સને ૯૭૨૦૦ના વિદેશી દારૂ સાથે ઝડપી પાડીને મુખ્ય સૂત્રધાર સહિત કુલ બે વિરૂધ્ધ પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર પેટ્રોલીંગ કરી રહેલી એલસીબીને હકીકત મળી હતી કે, આણંદના લોટીયા ભાગોળ કપાસીયા બજારમાં રહેતો જગદીશભાઈ ઉર્ફે ચેપો શંકરભાઈ ચાવડા વિદેશી દારૂનું વેચાણ કરે છે અને તેણે કાન્હાકુઈ અક્ષર ફાર્મ રોડ ઉપર આવેલા શૈલેષભાઈ લાલાભાઈ પસાયાના છાપરામાં વિદેસી દારૂનો મોટો જથ્થો ઉતાર્યો છે. જેથી પોલીસની ટીમ તુરંત ત્યાં પહોંચી ગઈ હતી અને છાપો મારતાં શૈલેષ પસાયા ઝડપાઈ જવા પામ્યો હતો. છાપરામાં તપાસ કરતાં ચાદર નીચે ઢાંકી રાખેલી વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. જેની ગણતરી કરતા રોયલ ચેલેન્જની પેટી, મેકડોવેલ્ડ નંબર ૧ની પેટી તેમજ વિદેશી દારૂના ટ્રેટાપેક મળીને કુલ ૯૭૨૦૦નો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

(5:54 pm IST)