ગુજરાત
News of Tuesday, 3rd November 2020

વિરમગામ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુમરખાણ ખાતે મેડીકલ કેમ્પ યોજાયો

કોરોના વૈશ્વિક મહામારીથી બચવાના ઉપાયો અંગે જનજાગૃતિ કરવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરગમામ : અમદાવાદ જિલ્લાના તમામ જિલ્લા સદસ્યની બેઠક દીઠ મેડીકલ કેમ્પનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવેલુ છે. જે અંતર્ગત અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુમરખાણ ખાતે મંગળવારે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આરોગ્ય સમિતીના ચેરમેન જગદીશભાઇ મેણીયા, વિરમગામ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ મફાભાઇ ભરવાડના વરદહસ્તે દિપપ્રાગટ્ય કરીને કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી. આ મેડિકલ કેમ્પમાં સગર્ભા બહેનોની આરોગ્ય ચકાસણી તથા લેબોરેટરી તપાસ કરવામાં આવી હતી. ધન્વંતરી રથમાંથી ગ્રામજનોને આયુર્વેદિક/હોમિયોપેથીક દવાઓનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. કોરોના વૈશ્વિક મહામારીથી બચવાના ઉપાયો અંગે જનજાગૃતિ કરવામાં આવી હતી. શંકાસ્પદ દર્દીઓના એન્ટીજન કીટથી સ્થળ ઉપર જ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. મેડીકલ ઓફિસર ડૉ. રાકેશ ભાવસાર દ્વારા જનરલ ઓપીડીમાં પ્રાથમિક સારવારને લગતા તમામ દર્દીઓની તપાસ કરીને નિઃશુલ્ક દવા આપવામાં આવી હતી. આ ઉપરાંત આરબીએસકે ડોક્ટર દ્વારા ૦ થી ૫ વર્ષના બાળકોનું સ્ક્રિનીંગ કરવામાં આવ્યુ હતુ. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુમરખાણ ખાતે આયોજિત મેડિકલ કેમ્પમાં કુલ ૨૫૨ દર્દીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.

તસવીર- રસીક કોળી (રૂપાવટી)

(7:24 pm IST)