ગુજરાત
News of Tuesday, 3rd November 2020

અમદાવાદના સ્લમ વિસ્તારોમાં હેન્ડવોશ મુકાયા : સંક્રમણ અટકાવવા યુનિસેફ અને આગાખાન એજન્સી ફોર હેબીટાટ દ્વારા આવકારદાયક પગલું

શહેરના ૧૮ સ્લમ પોકેટમાં ૩૫ પેડલ ઓપરેટેડ હેન્ડવોશ સ્ટેશન મુકાયા

અમદાવાદ : સ્લમ વિસ્તારોમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે યુનિસેફ અને આગાખાન એજન્સી ફોર હેબીટાટ દ્વારા શહેરના બહેરામપુરા વિસ્તારમાં પગથી ચાલતા હેન્ડવોશ મુકવામાં આવી રહ્યાં છે. અમદાવાદના 18 સલ્મ પોકેટમાં 35 જેટલા પેડલ ઓપરેટેડ હેન્ડવોશ સ્ટેશન મુકવામાં આવશે.

અમદાવાદના બહેરામપુરા,દાણીલીમડા,વાસણા સરખેજ અને રામોલ વોર્ડમાં આવેલા કુલ 18 સ્લમ પોકેટમાં 35 જેટલા પેડલ ઓપરેટેડ હેન્ડવોશ સ્ટેશન મુકવામાં આવશે. સ્લમ વિસ્તારમાં વસવાટ કરતા ગરીબ વર્ગને કોરોના મહામારીની પરિસ્થિતિમાં હાથ ધોવા માટે સરળ અને આધુનિક સુવિધા મળી રહે તે ઉદ્દેશ્યથી પેડલ દ્વારા ચાલતું અને બાળકો માટે પણ અનુકૂળ એવા હેન્ડવોશ સ્ટેશન મુકવામાં આવી રહ્યાં છે.

ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં સ્વચ્છતા અને રોગ પ્રત્યે સભાનતા નહીં હોવાના કારણે કોરોના ઝડપથી ફેલાવવાની શકયતાઓ પ્રબળ બની જાય છે. પરિસ્થિતિમાં લોકો પોતાના સ્વાસ્થય અંગે જાગૃત બને તે ખૂબ જરૂરી છે. બહેરામપુરાના સંતોષનગર વિસ્તારમાં હેન્ડવોશ સ્ટેશન મુકવામાં આવ્યું હતું.

વિસ્તારના લોકોને હાથ ધોવાની સાચી પદ્ધતિ તેમજ પર્સનલ હાઈજીન વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા અને કોરોનાને ફેલાતો અટકાવવા માટે સોશિયલ ડિસ્ટનસિંગ, હેન્ડ સેનીટાઇઝરના ઉપયોગ અને માસ્ક પહેરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ઉપરાંત વિસ્તારના બાળકો માટે આંગણવાડી વર્કર અને સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા હેન્ડવોશ નિદર્શન પણ કરવામાં આવ્યા હતા.

આશા-આંગણવાડી વર્કર,અર્બન લોકલ બોડી અને સ્લમ વિસ્તારની સામાજિક સંસ્થાઓને વિશિષ્ટ તાલીમ આપી લોકજાગૃતિ ઝુંબેશમાં જોડવામાં આવી રહી છે. તેમજ હેન્ડવોશ સ્ટેશનની જાળવણી માટે સંસ્થા દ્વારા દરેક વોર્ડમાં સ્વચ્છતા સમિતિની રચના કરવામાં આવી છે.

બહેરામપુરાના સંતોષનગરમાં યોજાયેલા કાર્યક્રમમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગના ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડો.ચિરાગ શાહ, બહેરામપુરા અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડો.કિશોર પ્રજાપતિ,આંગણવાડી સુપરવાઈઝર અને વર્કર,સંસ્થાના પ્રતિનિધિઓ,સામાજિક કાર્યકર્તાઓ તેમજ વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(8:34 pm IST)