ગુજરાત
News of Tuesday, 3rd November 2020

ખેડૂતોને ગેરમાર્ગે દોરનારા નિવેદનો કોંગ્રેસ બંધ કરે

મહેસુલમંત્રી કૌશિક પટેલના કોંગ્રેસ પર પ્રહાર : મહેસૂલ વિભાગમાં ક્રાંતિકારી નિર્ણયો દ્વારા જનહિતકારી પગલાંઓ લઇ મહેસૂલી પ્રક્રિયાઓમાં સરળીકરણ કરાયું

ગાંધીનગર, તા. ૩ : મહેસૂલ મંત્રી કૌશિક પટેલે ખેડૂત ખાતેદાર ખરાઇના પ્રમાણપત્ર અંગે કોંગ્રેસના પ્રવકતા ધ્વારા કરાયેલ નિવેદનને સખત શબ્દોમાં વખોડતા જણાવ્યું છે કે, ખેડૂતોને ગેરમાર્ગે દોરી પાયાવિહોણા નિવેદનો કરવાનું કોંગ્રેસે બંધ કરવું જોઇએ. ખેડૂતોના ખભે બંદૂક મુકીને પાયાવિહોણા નિવેદનો કરવા એ કોંગ્રેસની નીતિ બની ગઇ છે ત્યારે ખેડૂતો તેમના આવા નિવેદનોથી ભરમાવવાના નથી તેવો અમને દ્રઢ વિશ્વાસ છે. તેમણે ઉમેર્યુ કે, દેશભરમાં એક માત્ર ગુજરાત જ એવુ રાજ્ય છે કે જેણે મહેસૂલ વિભાગમાં ક્રાંતિકારી નિર્ણયો ધ્વારા અનેકવિધ જનહિતકારી પગલાં લઇ મહેસૂલી પ્રક્રિયાઓનું  સરળીકરણ કર્યુ છે જેના લાભો લાખો નાગરિકો-ખેડૂતો ટેકનોલોજીના માધ્યમ દ્વારા ઘરઆંગણે મેળવી રહ્યા છે. કોંગ્રેસના આવા પાયાવિહોણા, હાસ્યાસ્પદ અને ભ્રામક નિવેદનો એમને શોભતા નથી. રાજયની સંવેદનશીલ અને પારદર્શક સરકાર રાજયના ખેડૂતોની હંમેશા સાથે છે અને રહેશે જ.  

મહેસૂલ મંત્રીએ ઉમેર્યુ કે, તા.૩૧/૭/૨૦૨૦ થી ઓનલાઇન ખેડૂત ખાતેદાર પ્રમાણપત્રની પ્રક્રિયા શરૂ થઇ તે દિવસથી આજ સુધીમાં રાજયમાં કુલ ૨૫૧૯ ઓનલાઇન અરજીઓ આવેલ છે. ઉપરાંત વેચાણ નોંધ વખતે પણ ઓનલાઇન પ્રમાણપત્રના બદલે ધારણ કરેલી જમીનોના ૭/૧૨ અને હકપત્રકની નોંધો પરથી પણ ખરાઇ થઇ શકે છે. મહેસૂલ મંત્રી પટેલે કહ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની નેતૃત્વ હેઠળની ગુજરાત સરકારે, મહેસૂલી તંત્રમાં ટેકનોલોજીના ઉપયોગથી તથા કાયદાકીય પ્રક્રિયાઓના સરળીકરણ ધ્વારા રાજયના તમામ નાગરીકોની હંમેશા કાળજી લીધી છે. ભારતભરમાં ગુજરાત રાજયએ એકમાત્ર એવું રાજય છે જયાં, મહેસૂલ વિભાગમાં આટલા બધા ક્રાંતિકારી નિર્ણયો ધ્વારા લોકો માટે મહેસૂલી પ્રક્રિયાઓમાં સરળીકરણ કરવામાં આવ્યું હોય.

        તેમણે ઉમેર્યુ કે, રાજયમાં ખેતીની જમીન ખરીદવા માટે, ખરીદનારનું, ગુજરાતના ખેડૂત હોવું જરૂરી છે. બિનખેડૂતો ખેતીની જમીન ન ખરીદી શકે તેવું કોર્ટ ધ્વારા પણ પ્રસ્થાપિત કરવામાં આવેલ છે.

આવા સંજોગોમાં જયારે અન્ય તાલુકામાં જમીન ખરીદવી હોય તો, અગાઉ, જે જગ્યાએ જમીન ધારણ કરેલી હોય તે તમામના ૭/૧૨, હકપત્રકની નોંધો અને ૮-અ ( ખાતાવહી ) ની બે નકલો જમીન ખરીદનારે રજુ કરવી પડતી હતી. મહેસૂલી મંજૂરીઓમાં પણ ખેડૂત ખાતેદાર હોવાના પુરાવા ઓનલાઇન રજુ કરવાના હોય છે. નકલો મેળવવા માટે તથા પ્રમાણપત્ર મેળવવા માટે ખાતેદારોએ મહેસૂલી કચેરીઓએ ન જવું પડે તે માટે જ મહેસૂલ વિભાગ ધ્વારા ખેડૂત ખાતેદાર પ્રમાણપત્રની પ્રક્રિયા ઓનલાઇન કરવામાં આવેલ છે. ખાતેદાર ઘેરબેઠાં જ ઓનલાઇન અરજી કરીને માત્ર એક સોગંધનામુ જ અપલોડ કરવાનું હોય છે અને અરજી દીઠ માત્ર રૂ.૨૦૦૦/- ની ફી ઓનલાઇન જમા કરાવવાની પ્રક્રિયા નિયત કરવામાં આવેલ છે. જિલ્લા કક્ષાએ ઇ-ધરા ફંડમાં જમા થયેલ ફી ના નાણાંનો ઉપયોગ કલેકટરની અધ્યક્ષતામાં નિમાયેલ સમિતિ ધ્વારા ટેકનોલોજીના ઉપયોગથી પ્રક્રિયાઓનું સરળીકરણ કરવા માટે મંજૂર કરવામાં આવે છે. જયારે રાજયની ભાજપ સરકાર ખેડૂતોની સવલત માટે ટેકનોલોજી ધ્વારા સરળીકરણ કરી રહી છે ત્યારે કોંગ્રેસ ધ્વારા રાજયના ખેડૂતોને ભ્રમિત કરવા માટે આવા નિવેદનો કરવામાં આવે છે જે બિલકુલ યોગ્ય નથી.

        તેમણે ઉમેર્યુ કે, ખાતેદારના પ્રમાણપત્રની રાજયના તમામ ખેડૂતોને હંમેશા જરૂરિયાત નથી હોતી. જયારે જમીન ખરીદવી હોય ત્યારે જ જરૂર પડે છે તેમ છતાં કોંગ્રેસ ધ્વારા રાજયના ૫૫ લાખ ખેડૂતોએ જાણે જમીન વેચી નાખવાની હોય તેવા નિવેદનો કરીને ૫૫૦ કરોડ રૂપિયાની ખોટી વાતો કરી છે અને કોંગ્રેસ ધ્વારા ખોટી ગણતરીઓ દર્શાવીને રાજયના ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનું કામ કરવામાં આવી રહ્યુ છે તે વ્યાજબી નથી.  કોંગ્રેસના આવા હાસ્યાસ્પદ નિવેદનો અને ભ્રામક ગણતરીઓથી ગુજરાતના ખેડૂતો અંજાવાના નથી કેમ કે વરસાદથી પાકને થયેલ નુકસાન માટે રાજય સરકારે રૂ.૩૭૦૦ કરોડનું કૃષિ પેકેજ જાહેર કર્યું છે અને સરવે થયેલ ગામોમાં ચૂકવણી પણ શરૂ થઇ છે તે ખેડૂતો જાણે છે.

(9:47 pm IST)