ગુજરાત
News of Tuesday, 3rd November 2020

દલિત સમાજ આક્રમક મૂડમાં: અમદાવાદમાં પેંથરના કાર્યકર્તાઓ દ્વારા નીતિનભાઈ પટેલના પુતળાનું દહન

જાહેરમાં માફી નહીં માંગે તો ઝલદ આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી

મોરબી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા હિતુ કનોડિયાને ટાંકીને પ્રધાનમંત્રીનો ઉલ્લેખ કરી, દલિત સમુદાય માટે જાતિ સૂચક શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેથી લોકોમાં હાલ ભારે રોષ પણ જોવાયો છે આ અંગે 24 કલાકમાં માફી માંગવા અંગે વિવિધ દલિત સમાજ દ્વારા માંગ પણ કરવામાં આવી હતી, પરતું  એ મુજબ નહિ થતા દલિત  સમાજના કાર્યકર્તાઓ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે.

અમદાવાદના મેઘાણીનગરમાં આજે  પેંથરના કાર્યકર્તાઓ દ્વારા નીતિન પટેલના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ સાથે વિવિધ દલિત સમાજમાં ભાર રોષ પણ જોવા મળી રહ્યો છે. આ લોકોનું કહેવું છે કે, જો નીતિનભાઈ  પટેલ જાહેરમાં માફી નહીં માંગે તો ઝલદ આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.

આ અંગે આજે યુવા ભીમસેના દ્રારા નીતિન ભાઈ  પટેલ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરવા બાબતે રાજકોટ પોલીસ કમિશ્નર અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી હતી. અને તાત્કાલિક આરોપી નીતિન પટેલ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી ફરિયાદ દાખલ કરવામાં નહિ આવે તો યુવા ભીમસેના અને સમસ્ત અનુ.જાતિ સમાજ ડો.બાબાસાહેબ આંબેડકરના ચીંધેલા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.

(10:34 pm IST)