ગુજરાત
News of Friday, 3rd December 2021

અમદાવાદ :યુવતીના ફોટાને બિભત્સ રીતે ક્રોપ કરીને પોસ્ટ કરનાર અમેરિકાથી રિટર્ન થયેલો શખ્સ પકડાયો

ઈન્સ્ટાગ્રામ પર કરેલી આ બિભત્સ પોસ્ટ ફેસબુક પર પણ કરી હતી.

અમદાવાદ :રાણીપમાં રહેતી અને ઝાયડસ હોસ્પિટલમાં ફરજ બજાવતી 23 વર્ષીય યુવતીના ફોટા મેળવીને અજાણ્યા શખ્સે સોશિયલ મિડીયાના માધ્યમ દ્વારા બિભત્સ રીતે ફોટાને ક્રોપ કરી બિભત્સ કોમેન્ટ સાથે પોસ્ટ કર્યા હતા. આ અંગે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

રાણીપમાં રહેતા અને સરખેજ ખાતે ઝાયડસ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ વર્ષથી ફરજ બજાવે છે. 23 વર્ષીય યુવતીના લગ્ન 2019માં થયા હોવાથી સાસરીમાં રહેતી હતી. દરમિયાનમાં ફેસબુક માધ્યમથી એક વિપુલ પટેલ નામની આઈડી સાથે સંપર્ક થયો હતો. જો કે તે સમયે વિપુલ પટેલ નામના યુવકે અમેરીકા ખાતે રહેતો હોવાનું જણાવ્યું હતુ. બાદમાં તે ઈન્ડીયા પરત આવ્યો હતો અને યુવતી સાથે બેથી ત્રણ વખત મુલાકાત પણ કરી હતી.

આ વાતની જાણ યુવતીના પતિને થતા બંને વચ્ચે ઝઘડો થયો હતો અને યુવતીએ તેના પતિને છુટાછેડા આપી દીધા હતા. બાદમાં એક દિવસ યુવતી ઈન્સ્ટાગ્રામ ચેક કરી રહી હતી ત્યારે એક અજાણી આઈડી ધારકે યુવતીના ફોટા અને બિભત્સ લખાણ લખી અસ્લીલ રીતે દર્શાવ્યું હતું. ઈન્સ્ટાગ્રામ પર કરેલી આ બિભત્સ પોસ્ટ ફેસબુક પર પણ કરી હતી. થોડા સમય પહેલા યુવતી એક માસુ નામના યુવકને કે જેનું સાચુ નામ પંકજ ઉર્ફે વિપુલ હોય તેને મળી હતી અને ઈન્સ્ટાગ્રામ પર બિભત્સ ફોટા સાથેની પોસ્ટ મુકનારનું એકાઉન્ટનું નામ પણ માસુ હોય મહિલાને તેના પર શંકા હતી. જેથી મહિલાએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં પંકજ ઉર્ફે વિપુલ પટેલના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી. આરોપી અગાઉ અમેરિકા હતો અને છેલ્લા એક વર્ષથી અમદાવાદમાં રહેતો હોવાનું બહાર આવ્યું છે. આ અંગે પોલીસે તેની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે

(9:27 pm IST)