અમદાવાદ બાદ સુરતમાં IT નાં દરોડા: વહેલી સવારથી 30 જેટલાં સ્થળોએ દરોડાની કાર્યવાહી :સઘન તપાસ
રિયલ એસ્ટેટનાં મોટા માથાને ત્યાં દરોડા : IT વિભાગની 10 થી વધુ ટીમો આ સર્ચ ઓપરેશનમાં લાગી:તપાસને અંતે બેનામી વ્યવહારો ઝડપાય તેવી આશંકા
અમદાવાદ બાદ હીરા નગરી સુરતમાં IT નાં દરોડાનો ધમધમાટ શરૂ થયો છે. સુરતમાં IT દ્વારા રિયલ એસ્ટેટનાં ધંધાર્થીઓનાં ત્યા તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સુરતમાં રિયલ સ્ટેટનાં મોટા માથાઓને ત્યા IT નાં દરોડા પડી રહ્યા છે. અમદાવાદ બાદ સુરતમાં પણ વહેલી સવારથી જ IT વિભાગે દરોડા પાડી સૌ કોઇને ચોંકાવી દીધા હતા. લગભગ 30 જેટલા સ્થળોએ IT વિભાગે દરોડાની કાર્યવાહી કરી છે. આ તપાસને અંતે બેનામી વ્યવહારો ઝડપાય તેવી આશંકાઓ છે. સવારથી ચાલી રહેલા સર્ચ ઓપરેશનને લઇને સુરતનાં મોટા માથાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
સુરત શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં IT વિભાગની 10 થી વધુ ટીમો આ સર્ચ ઓપરેશનમાં લાગી છે. ખાસ કરીને રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા બિલ્ડરોને ત્યા સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યુ છે. ખાસ કરીને સુરતનાં ફરતે જે અલગ-અલગ નવા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે, અને તમામ પ્રોજેક્ટમાં બિન હિસાબી આવક બેનામી વ્યવહાર છે કે કેમ તેની તપાસ IT વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. મોટા ભાગનાં બિલ્ડોરને ત્યા IT નાં દરોડા પડ્યા છે, દસ્તાવેજો કબ્જે લેવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને 30 જેટલા સ્થળોએ ઈન્કમટેક્ષ દ્વારા તપાસની કાર્યવાહી કરવામાં આવી રહી છે.