ગુજરાત
News of Friday, 3rd December 2021

અમદાવાદના પોલીસ પરિવારની બહેનોને આત્મનિર્ભર બનાવવા વિવિધ રોજગારલક્ષી તાલીમ

પોલીસ ફોજનો તણાવ દૂર કરવા શ્રી અને શ્રીમતી સંજય શ્રીવાસ્તવ દ્વારા નવી ફોર્મ્યુલા : સીપીને મળ્યો જોઈન્ટ પોલીસ કમિશ્નર અજયકુમાર ચૌધરી દંપતિનો સાથઃ સોનામાં સુગંધ, પ્રાચીન રમતો માણી બાળકો પણ ખુશખુશાલ

રાજકોટ,તા.૩: પોલીસ તંત્ર પાસે લોકોના હિતાર્થે સખતાઈથી કામ લેવા સાથે આજ પોલીસ સ્ટાફ હાથ પગ છે તેવું દિલથી માની પોલીસ સ્ટાફ અને તેના પરિવારના કલ્યાણ માટે વિવિધ પ્રવૃતિઓ પોતાના પત્ની સાથે ચલાવતા અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને તેમના જેવા જ વિચાર ધરાવતા આઇપીએસ અધિકારીનો સાથ મળી જતા સોનામાં સુગંધ ભળી છે.

આ આઇપીએસ એટલે અમદાવાદના લોકપ્રિય જોઇન્ટ પોલિસ કમિશનર અજય કુમાર ચોધરી,યોગાનુંયોગ અજય કુમાર ચોધરીનાં ધર્મ પત્ની કે જેઓ ગુજરાતના જાણીતા વિડિયો સિંગર છે તેવા દીપ શિખાજીનો પણ સહયોગ મળતા હેડ કવાટરમા તણાવ જેવા વાતાવરણને સ્થાને આનંદ, ઉલ્લાસ કિલોલ સાથે બાળકોની ચિચિયારી ગુંજવા સાથે યુવતીઓ અને બહેનો પણ પોતાને આત્મનિર્ભર બનાવવા મનગમતિ પ્રવૃત્તિઓ મળી રહ્યાની વાતથી ઉત્સાહિત બની છે.  

પોલીસ સ્ટાફનો તણાવ દૂર કરવા માટે અને સ્ટાફને કારણે પરિવાર પર અસર થતી હોવાનું તારણ પોલીસ કમિશનર સાથે તેમના પત્ની દ્વારા થયેલ સર્વેમાં બહાર આવ્યા બાદ તેઓ દ્વારા પોલીસ પરિવારની બહેનો માટે તેમને રસરૂચિ પ્રમાણે સિવણ, એમ્બ્રોડરી, ભરત ગુથણ અને યુવતીઓ માટે બ્યુટી પાર્લર કલાસ માટે નિષ્ણાત મારફત આખું આયોજન તૈયાર કરી વ્યવસ્થા સાંભાળશે, જે યુવતીઓ બહેનોને સંગીતનો શોખ હોય તેમને દીપ શિખાજી તાલીમ આપવા સાથે બહેનોની સંગીતના માધ્યમથી કલા પ્રતિભા બહાર લાવવામાં આવશે.         

બહેનોના ઉત્કર્ષ પહેલા માહોલ હળવો બનાવી આ બહેનોને પોતાના બાળકોની ચિંતા ન રહે તે માટે પણ પોલીસ કમિશ્નના પત્ની માહોલ બનાવવા માટે હેડ કવાટર ખાતે બાળકો માટે પણ વિવિધ સ્પર્ધાઓ રાખી પ્રાચીન રમત -ગમતમાં રસ લેતા કરી આખો દિવસ મોબાઈલમાં વ્યસ્ત બનવાને બદલે સંસ્કૃતિ અને પ્રાચીન વારસો જાળવવા અદભૂત પ્રયાસોમાં પણ સંજય શ્રીવાસ્તવ, અજય કુમાર ચોધરી, દીપ શીખાજી, એસપી  શ્રી મકવાણા ટીમ પણ સહયોગ આપી રહી છે, ડીસીપી કન્ટ્રોલ ડો.હર્ષદ પટેલ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિ પ્રોત્સાહિત બની રહી છે.

(2:54 pm IST)