ગુજરાત
News of Friday, 3rd December 2021

સુરતના રિયલ એસ્ટેટના ચાર ગ્રુપ ઉપર ઇન્કમટેકસના દરોડા

સંગીની બિલ્ડર્સ ગ્રુપ તેમજ અન્ય ગ્રુપના ૩૦ સ્થળોએ દરોડાની કાર્યવાહી : તપાસનો ધમધમાટ

રાજકોટ તા. ૩ : અમદાવાદ બાદ આજે વહેલી સવારથી હિરાનગરી સુરતમાં રીયલ એસ્ટેટના ચાર ગ્રુપ ઉપર આવકવેરાના દરોડા પડયા છે. સુરતના ટોચના સંગીની બિલ્ડર્સ ગ્રુપના ભાગીદાર - નિવાસસ્થાન - સાઇટ - ઓફિસ સહિત ૩૦ સ્થળોએ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

સુરત શહેરમાં સવારથી જ આવક વેરા વિભાગ દ્વારા દરોડાની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ અને સુરત આવકવેરાની ટીમ દ્વારા સંગીની બિલ્ડર ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદ અને સુરતની ટીમ દ્વારા વહેલી સવારથી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સંગીની બિલ્ડગ ગ્રુપની સાથે સંગીની બિલ્ડર ગ્રુપના બે ભાગીદારોને ત્યાં પણ સર્ચ ઓપરેશનની કામગીરી કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત બિલ્ડર ગ્રુપને ફાયનાન્સ કરનાર લોકોને ત્યાં પણ તપાસ કરવામાં આવી રહી છે. આવેકવેરા વિભાગે સપાટો બોલાવતા અરિહંત ગ્રુપ, મહેન્દ્ર ચંપક ગ્રુપ અને અશેષ દોશીને ત્યાં પણ સર્ચની કાર્યવાહી હાથ ધરી છે, બેનામી સંપત્ત્િ। કે આવક કરતા વધુ સંપત્ત્િ।ની ચકાસણી કરવામાં આવી રહી છે. મહત્વનું છે અગાઉ અમદાવાદમાં પણ અનેક જગ્યાએ આવકવેરા વિભાગ દ્વારા તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારે સુરતમાં સવારથી જ આવકવેરા વિભાગ ધામા નાખતા ઉદ્યોગકારો અને વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

(4:34 pm IST)