ગુજરાત
News of Friday, 3rd December 2021

અડાલજમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવાને યુવતીની ભર બજારમાં છેડતી કરતા પોલીસ ફરિયાદ

ગાંધીનગર:શહેર નજીક અડાલજમાં એકતરફી પ્રેમમાં પડેલા યુવાને કલાસીસમાંથી પરત ફરતી યુવતિને બજાર વચ્ચે જ ઉભી રાખી અભદ્ર માંગણી કરી હતી. જેના કારણે ગભરાઈ ગયેલી યુવતિ ઘરે પહોંચી હતી અને પિતાને જાણ કરતાં અડાલજ પોલીસ સ્ટેશનમાં યુવાન સામે ફરીયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે ગુનો દાખલ કરીને આરોપી યુવાનની શોધખોળ આદરી છે.   

આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેર નજીક આવેલા અડાલજ વિસ્તારમાં રહેતી એક યુવતિ જયારે શાળામાં અભ્યાસ કરતી હતી ત્યારે પાડોશી ગામમાં રહેતો અને સાથે જ અભ્યાસ કરતો યુવાન તેના એકતરફી પ્રેમમાં પડયો હતો. યુવતિને અવારનવાર તે મિત્રતા બાંધવા દબાણ કરતો હતો પરંતુ યુવતિ આ સંદર્ભે કોઈ જવાબ જ આપતી નહોતી. દરમ્યાનમાં ગઈકાલે સાંજના સુમારે આ યુવતિ ખાનગી કલાસીસમાં અભ્યાસ પુર્ણ કરીને ઘર તરફ જઈ રહી હતી ત્યારે આ યુવાન મોપેડ લઈને આવી પહોંચ્યો હતો અને બજાર વચ્ચે જ યુવતિને ઉભી રાખી તેની પાસે અભદ્ર માંગણી કરી હતી. જેના કારણે યુવતિ ગભરાઈ ગઈ હતી. યુવાને યુવતિના કમરમાં હાથ નાંખી તેની છેડતી પણ કરી હતી. ગભરાઈ ગયેલી યુવતિ તુરંત જ ઘરે પહોંચી હતી અને આ સંદર્ભે તેના પિતાને જાણ પણ કરી હતી. જેથી પિતા સાથે યુવતિ અડાલજ પોલીસ મથકે પહોંચી હતી જયાં યુવાન સામે છેડતીનો ગુનો દાખલ કરાવ્યો હતો. હાલ તો અડાલજ પોલીસે આ યુવતિની ફરીયાદના આધારે આરોપી યુવાનની શોધખોળ આદરી છે. 

(6:44 pm IST)