ગુજરાત
News of Friday, 3rd December 2021

બોરસદ-ધર્મજ રોડ નજીક પુરપાટ ઝડપે જતા અજાણ્યા વાહને બાઇકને હડફેટે લેતા ચાલકનું સારવાર દરમ્યાન મોત

બોરસદ:બોરસદ-ધર્મજ રોડ ઉપર આવેલા ભારેલ ગામની સીમમાં ગઈકાલે સાંજના સુમારે પુરપાટ ઝડપે જતા કોઈ અજાણ્યા વાહને આગળ જતા બાઈકને ટક્કર મારતાં ચાલકનું સારવાર દરમ્યાન મોત થયું હતુ. આ અંગે પેટલાદ રૂરલ પોલીસે અજાણ્યા વાહનના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. અકસ્માતની મળતી વિગતો અનુસાર ડભાસી ગામે રહેતા રાજેશભાઈ ઠાકોર ગઈકાલે પોતાના ભાઈનું બાઈક લઈને પોતાની સાસરી ભારેલ ગામે જવા નીકળ્યા હતા. સાંજના સવા છ વાગ્યાના સુમારે ભારેલ સીમમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવી ચઢેલા કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં રાજેશભાઈ રોડ ઉપર પટકાયા હતા. જેમાં તેમને માથામાં, પાંસળીઓ ઉપર તેમજ કાંડા ઉપર ગંભીર ઈજાઓ થવા પામી હતી. ૧૦૮ મોબાઈલ વાનમાં તેમને સારવાર માટે બોરસદની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હાલત ગંભીર હોય વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત થયું હતુ. આ અંગે પોલીસે ગુનો દાખલ કરીને ટક્કર મારીને ફરાર થઈ ગયેલા અજાણ્યા વાહનની સીસીટીવી ફુટેજની મદદથી તપાસ હાથ ધરી છે.

 

(6:49 pm IST)