ગુજરાત
News of Friday, 3rd December 2021

જયપુરની હોટલમાંથી ૨ કરોડની ચોરી કરનારો સુરતથી ઝડપાયો

વૈભવી હોટલમાં ૨ કરોડ રૂપિયાની ચોરી થઈ હતી : સુરતનો ચોર જયપુરની વૈભવી હોટલમાં રોકાયો હતો અને ત્યાંથી ખોટી ઓળખ આપીને બે કરોડની ચોરી કરી

અમદાવાદ,તા.૩ : રાજસ્થાનના જયપુરની એક વૈભવી હોટલમાંથી પાંચ દિવસ અગાઉ મુંબઈનું દંપત્તિ રોકાયું હતું. આ દરમિયાન તેમના રૂપમમાંથી રૂપિયા બે કરોડના એન્ટિક દાગીનાની ચોરી થઈ ગઈ હતી. જોકે, સુરત ક્રાઈમ બ્રાન્ચ અને જયપુર પોલીસે આ દાગીના ચોરનારા ચોરને સુરતના દિલ્હીગેટ વિસ્તારમાંથી ઝડપી લીધો છે. પોલીસે તેની પાસેથી તમામ દાગીના કબજે કર્યા હતા. ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે જયપુરની ફાઈવ સ્ટરા હોટલમાં પાંચ દિવસ પહેલા મુંબઈના વેપારીએ પોતાની પુત્રીના લગ્નનું આયોજન કર્યું હતું. તેમણે મહેમાનો માટે છઠ્ઠા અને સાતમાં માળે કેટલાક રૂમ બૂક કરાવ્યા હતા. જેમાંથી ૭૩૪ નંબરના રૂમમાં મુંબઈના વેપારી રાહુલભાઈ અને તેમના પત્ની રોકાયા હતા. તેઓ રાત્રે ૭.૩૦ વાગ્યે લગ્નમાં હાજરી આપવા ગયા હતા અને ૧૧.૩૦ વાગ્યે પાછા ફર્યા હતા. તેઓ પાછા ફર્યા ત્યારે તેમણે કાર્ડ વડે દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે ખૂલ્યો ન હતો.

            જેથી તેમણે હોટલ સ્ટાફને જાણ કરી હતી અને તેમની મદદથી રૂમ ખોલાવ્યો હતો. થોડી વાર પછી તેમણએ ડિજિટલ લોકર ખોલવાનો પ્રયાસ કર્યો હતો અને તે પણ ન ખૂલતા ફરીથી સ્ટાફની મદદ લીધી હતી. સ્ટાફને બોલાવીને લોકર ખોલાવ્યું તો તેમાંથી રોકડા અને એન્ટિક દાગીના મળીને કુલ બે કરોડની ચોરી થઈ હતી. જેથી તેમણે સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરતા હોટલમાં જ રોકાયેલો એક વ્યક્તિ રાહુલભાઈના રૂમમાં જતો જોવા મળ્યો હતો. પોલીસે સ્ટાફની પૂછપરછ શરૂ કરી હતી અને તેમાં જાણવા મળ્યું હતું કે તે વ્યક્તિ વાપીના વેપારી તરીકે ઓળખ આપીને હોટલમાં રૂમ લીધી હતી. પોલીસે તપાસ કરી તો જાણવા મળ્યું કે તે વ્યક્તિ ચોરી કરવા માટે રાહુલ બન્યો હતો. તેણે પોતાનો રૂમનો દરવાજો ખુલતો નથી તેમ કહીને સ્ટાફ પાસે માસ્ટર કીથી રૂમ ખોલાવ્યો હતો. જ્યારે રૂમમાંથી ફોન કરીને કહ્યું હતું કે તે લોકરનો પાસવર્ડ ભૂલી ગયો છે અને મારે તાત્કાલિક તે ખોલવું છે. તેથી સ્ટાફ પાસે તેણે લોકર પણ ખોલાવ્યું હતું. બાદમાં તે દાગીના લઈને ફરાર થઈ ગયો હતો. પોલીસે પોતાના ચક્રો ગતિમાન કરી દીધા હતા અને સ્થાનિક પોલીસે સુરત પોલીસની મદદ લીધી હતી. બાદમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે દિલ્હીગેટ વિસ્તારમાંથી વાપીમાં રહેતા મૂળ જામનગરના જયેશ સેજપાલને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી તમામ દાગીના અને રોકડા કબજે કર્યા હતા.

(8:44 pm IST)