ગુજરાત
News of Friday, 3rd December 2021

સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે ભાજપ OBC મોરચાની ત્રિદિવસીય રાષ્ટ્રીય કારોબારી

રાષ્ટ્રીય ઓબીસી મોરચાના અધ્યક્ષ ડો.કે લક્ષમણ અને રાષ્ટ્રીય મહામંત્રી અને રાજ્ય સભાના સાંસદ અરુણ સિંહ સહિત આગેવાનોની ઉપસ્થિતમાં કાર્યકરોની બેઠક યોજાઈ

રાજપીપળા :સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયાની હોટેલ ફર્ન ખાતે 3, 4 અને 5 ડિસેમ્બર એમ 3 દિવસની ભાજપ OBC મોરચાની રાષ્ટ્રીય કારોબારી યોજાશે.પ્રથમ દિવસે ભાજપના રાષ્ટ્રીય ઓબીસી મોરચાના અધ્યક્ષ ડો.કે લક્ષમણ અને ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અને રાજ્ય સભાના સાંસદ અરુણ સિંહ સહિત આગેવાનોની ઉપસ્થિતમાં કાર્યકરોની એક બેઠક યોજાઈ હતી.આ ત્રણ દિવસ દરમિયાન કારોબારી બેઠકમાં હાજરી આપવા 150 જેટલા વિવિધ રાજ્યોના ઓબીસી મોરચાના અધ્યક્ષો, મહામંત્રીઓ, રાજ્ય સભાના અને લોક સભાના સભ્યો, સાથે ધારાસભ્યો સહિત હજાર રહ્યા હતા.

કારોબારી બેઠકના સમાપનના દિવસે ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી વી.સંતોષ તથા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, બિહારના ઉપમુખ્યમંત્રી ખાસ ઉપસ્થિત રહેશે.

ભાજપ ઓ.બી.સી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.કે.લક્ષ્મણએ આ પ્રસંગે જણાવ્યું હતું કે કારોબારી બેઠકમાં અમે વિવિધ રાજકીય પ્રસ્તાવો, 5 રાજ્યોની ચૂંટણીની રણનીતિ અને એ ચૂંટણીમાં ઓ.બી.સી ની શુ ભૂમિકા હશે એની ચર્ચાઓ કરવામાં આવશે.મોદી સરકારે ઓ.બી.સી સમાજ માટે જે કર્યું એ ઘર ઘર સુધી પહોંચાડવા માટેના જન જાગૃતિના કાર્યક્રમો અંગેની રૂપરેખા પણ ઘડી કાઢવામાં આવશે.ઇતિહાસમાં પહેલી વખત મોદી સરકારમાં ઓ.બી.સી સમાજના 27 મંત્રીઓનો સમાવેશ કરાયો છે.

જ્યારે રાજ્ય સભાના સાંસદ તથા ભજપના રાષ્ટ્રીય મહામંત્રી અરુણસિંગે જણાવ્યું હતું કે 5 રાજ્યોની ચૂંટણીમાં ભાજપનો પેહલા કરતા વધારે બેઠકો સાથે વિજય થશે, તમામ ઓ.બી.સી સમાજ નરેન્દ્ર મોદી સાથે ઉભો છે.પહેલાની સરકારે ઓ.બી.સી સમાજની કોઈ ચિંતા કરી નથી, ભાજપે ઓ.બી.સી સમાજ માટે ઘણું કર્યું છે એના જ પરિણામે ચુંટણીઓ ભાજપનો વિજય થાય છે.રાજયસભા માંથી કોંગ્રેસના સાંસદોના સસ્પેન્સન મુદ્દે જણાવ્યું હતું કે એમણે રાજ્યસભામાં ટેબલ પર ચઢી કાગળો ફાડયા, પછી સીટી મારી એટલે એમને સસ્પેન્ડ કર્યા.અમે સંસદ સત્ર બાદ મહાત્મા ગાંધીની અને ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી માર્ચ કરી એમની સમક્ષ પ્રાર્થના કરી કે કોંગ્રેસની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે, એમના નેતાઓને થોડું જ્ઞાન આપો.આજે સરદાર પટેલની પ્રતિમા સમક્ષ અમે પ્રાર્થના કરી કે સરદાર સાહેબ તમે બધાને બુદ્ધિ આપી તો કોંગ્રેસ નેતાઓને સદબુદ્ધિ આપો, તેઓ આવું આચરણ ફરી ન કરે માફી માંગે અને સંસદમાં ભાગ લે.

(8:49 pm IST)