ગુજરાત
News of Tuesday, 4th May 2021

ફોર્ચ્યુનર કાર ઉંધી વળતાં મહેસાણા પંથકના રાજકીય આગેવાનના પુત્ર રાજદિપસિંહ જાડેજાનો ભોગ લેવાયો

પત્નિ-પુત્રને માંડવી કચ્છ સાસરે મુકી પરત ફરતી વખતે ધ્રાંગધ્રા-પાટડી વચ્ચે બનાવ : મોબાઇલ સ્ટેટસ મુકયાના અમુક સમય પછી ફોન રિસીવ ન થતાં પરિવારજનોએ તપાસ કરતાં અકસ્માત થયાની જાણ થઇઃ ધ્રાંગધ્રાના યુવા અગ્રણી કરણસિંહ જાડેજા મદદે દોડી ગયાઃ એકના એક પુત્રના મૃત્યુથી અરેરાટી

રાજકોટ, તા. ૪ :  ધાંગધ્રા-અમદાવાદ હાઇવે ઉપર દોલતપુરના પાટીયાથી આગળ ફોર્ચ્યુનર કાર ઉંધી વળી જતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં કડી-મહેસાણા પંથકના રાજકીય આગેવાન અજયસિંહ જાડેજાના એકના એક યુવાન પુત્ર  રાજદિપસિંહ જાડેજા (ઉ.વ.ર૮)નો ભોગ લેવાતાં સમગ્ર રાજપુત સમાજમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

મળતી માહિતી મુજબ રાજદિપસિંહ અજયસિંહ જાડેજા તેમના પત્નિ અને પુત્રને માંડવી-કચ્છ ખાતે પોતાના સાસરે મુકીને ફોર્ચ્યુનર (એસ.યુ.વી.) માં પરત ફરી રહ્યા હતાં. ત્યારે ધાંગધ્રા -પાટડી વચ્ચે દોલતપુરના પાટીયાથી આગળ રાધે હોટલ નજીક કોઇપણ કારણોસર ફોર્ચ્યુનર ઉંધી પડી હતી. જેમાં રાજદિપસિંહ જાડેજા (રાજા)નો ભોગ લેવાયો હતો.

રાજદિપસિંહે મોબાઇલ ફોનમાં સ્ટેટસ મુકયું હતું. એના થડા સમય પછી તેમનો ફોન રિસીવ ન થતાં પરિવારજનો ચિંતામાં મુકાયા હતાં. તપાસ કરાવતાં તેમની કાર ઉંધી વળી ગયાનું જાણવા મળ્યું હતું. બનાવની જાણ થતાં રાજદિપસિંહના સ્વજનોએ ધાંગધ્રા રહેતા ભાજપના યુવા અગ્રણી કરણસિંહ કનુભા જાડેજાને કરતા તેઓ તાકીદે ધાંગધ્રા-માલવણ-અમદાવાદ હાઇવે ઉપર  તાત્કાલીક સેવાભાવી લોકો સાથે મદદ માટે પહોંચ્યા હતાં. પરંતુ કારમાં રાજદિપસિંહ મૃત્યુ પામ્યાનું જણાયું હતું.

ભોગ બનનાર રાજદિપસિંહ જાડેજાના પિતા મહેસાણા પંથકમાં રાજકીય સામાજીક રીતે મોટુ નામ ધરાવતા હોવાથી ગણત્રીની મીનીટોમાં ઘટના સ્થળે પરિવારજનો મીત્ર વર્તુળ પહોંચી ગયા હતાં. એકના એક યુવાન પુત્રના મોતથી સ્વજનો સ્તબ્ધ થઇ ગયા હતાં.

(3:36 pm IST)