ગુજરાત
News of Tuesday, 4th May 2021

માસ્કના નામે દંડ ઉઘરાવી ગરીબોને રંજાડવાનું બંધ કરો: છોટુ વસાવાનો સીએમ રૂપાણીને પત્ર

પોલીસ લોકો પાસેથી ડરાવી ધમકાવી જો હુકમી કરી દંડ ઉઘરાવે છે: છોટુભાઈ વસાવાનો આક્ષેપ: રોજ રોજ અસંખ્ય લોકો ઓક્સિજન, વેન્ટિલેટર બેડની સુવિધાના અભાવે મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે: છોટુભાઈ વસાવા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કોરોના કાળમાં સરકારે માસ્ક જ્યારે ફરજીયાત કર્યું છે ત્યારે પોલીસ માસ્કના નામે દંડ ઉઘરાવી ગરીબોને રંજાડવાનું કાર્ય કરતી હોવાનો આક્ષેપ બિટીપી એમએલએ છોટુભાઈ વસાવાએ લગાવ્યો છે.પોલીસ માસ્કના નામે દંડ ઉઘરાવવાનું બંધ કરે એવી માંગ છોટુભાઈ વસાવાએ સીએમ રૂપાણીને પત્ર લખી કરી છે.
           કોરોના કાળમાં લોકો કોરોના સંક્રમીત ન થાય એ માટે સરકારે માસ્ક ફરજીયાત કર્યું છે.જે માસ્ક ન પેહરે એને દંડની જોગવાઈ પણ સરકારે કરી છે.સરકારના આ નિર્ણયનો બિટીપી એમએલએ છોટુભાઈ વસાવાએ વિરોધ કર્યો છે.એમણે સીએમ રૂપાણી સમક્ષ પત્ર લખી રોષ વ્યકત કર્યો છે.છોટુભાઈ વસાવાએ જણાવ્યું છે કે કોરોના કાળમાં લોકો રોજે રોજ જીવનરક્ષક દવાઓ, ઓક્સિજન અને વેન્ટિલેટર બેડના અભાવે અને તંત્રની ઘોર બેદરકારીને લીધે મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે.ભરૂચ જિલ્લાની પોલિસ રોજ ગરીબ, નિર્દોસ અને મધ્યમવર્ગના લોકો પાસેથી માસ્ક તથા અન્ય કારણોસર હજારો રૂપિયા દંડ વસુલે છે.લોકો પાસે રોજગારી નથી, કામધંધા બંધ છે ત્યારે ખેડૂત,વેપારીઓ, કારીગરો અને મજૂરો હેરાન થઈ રહ્યા છે.આર્થિક મંદીમાં ફસાયેલા લોકોને ભરૂચ જિલ્લાની પોલિસ ડરાવી-ધમકાવી- જો હુકમી કરી દંડ વસૂલી રંજાડી રહી છે.એ ખરેખર બંધ થવું જોઈએ એવી મારી માંગ છે.

(11:48 pm IST)