ગુજરાત
News of Tuesday, 4th May 2021

કોરોનાએ ૨૪ કલાકમાં ઉમરેઠના બે સગાભાઇના જીવ લઇ લીધા !

ત્રીજો ભાઇ પણ હોસ્પિટલમાં છે : પરિવાર સ્તબ્ધ

રાજકોટ તા. ૪ : કાળમુખો કોરોના કયારે, કયાં કુટુંબ પર ત્રાટકે અને કેટલાનો ભોગ લે એ નક્કી હોતું નથી.

થોડા દિવસો પહેલા મહેસાણાના રામોસણા ગામે રહેતા કર્મકાંડી બ્રાહ્મણ મહેશભાઇ અંબાલાલ દવે અને પ્રફુલ્લાબેનના દીકરો અને દીકરી જુવાન વયે કોરોનાના ભોગ બન્યા. પરિણીત દીકરી પૂજાનું તા. ૨૧મી એપ્રિલે અવસાન થયું. જ્યારે તેમના પ્રિયભાઇ જયનું તા. ૨૫મીની રાતે કે જે દિવસે જયના શુભલગ્ન નક્કી થયા હતા, એ દિવસે જ રાતે અવસાન થયું.

આ હજુ તાજુ જ છે, ત્યાં ઉમરેઠના પટેલ પરિવારમાં ૨૪ કલાકમાં યુવાન એવા બે સગાભાઇના મૃત્યુ થતાં ઘેરાશોકનું મોજું ફરી વળ્યું છે. આ અધુરૃં હોય એમ ત્રીજો ભાઇ પણ કોરોનાની ઝપટે ચડયો છે, તેની સ્થિતિ પણ ગંભીર ગણાવાઇ રહી છે.

ઉમરેઠના યોગી પાર્ક એવન્યુમાં રહેતા મૂળ કચ્છના આ પટેલ પરિવારના મહેશ ખીમજીભાઇ પટેલ, ઘનશ્યામ ખીમજીભાઇ પટેલ અને કિશોર ખીમજીભાઇ પટેલને ૧૧મી એપ્રિલે કોરોનાના લક્ષણ જણાતા ઉમરેઠની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તે ત્રણેય ભાઇઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.

થોડા દિવસ બાદ ઘનશ્યામભાઇની તબિયત સારી લાગતા તેઓ રજા લઇને ઘરે આવ્યા હતા. પરંતુ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા મહેશભાઇની તબિયત લથડતા તા. ૨૭મી એપ્રિલ તેમનું અવસાન થયું હતું. વહાલસોયા ભાઇના મૃત્યુની જાણ ઘરે થતાં ઘનશ્યામભાઇને પણ ખબર પડતા તેમની શ્વાસ લેવાની તકલીફ વધી ગઇ હતી. આથી ફરી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ તેમની તબિયત વધુ લથડતા વડોદરા ખસેડાઇ રહ્યા હતા, ત્યાં ઘનશ્યામભાઇનું પણ સારવાર મળે એ પહેલા મૃત્યુ નિપજ્યું હતું. આમ ૨૪ કલાકમાં બંને ભાઇઓએ ચીરવિદાઇ લઇ લીધી હતી. પરિવાર પર મોટો વજ્રઘાત થયો હતો.

ત્રીજાભાઇ કિશોર પટેલને પણ શ્વાસમાં તકલીફ વધતા તેઓને પણ વડોદરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની સ્થિતિ પણ ગંભીર હોવાનું જાણવા મળે છે.

૨૪ કલાકમાં બે-બે સગા ભાઇઓ ગુમાવનારા કચ્છી પટેલ પરિવાર જાણે વેરવિખેર થઇ ગયો હોય એવી સ્થિતિ પ્રવર્તે છે.

કોરોનાએ હદ કરી નાખી છે. આ રીતે અનેક પરિવારો વેરવિખેર થઇ ગયા છે.

(3:37 pm IST)