ગુજરાત
News of Tuesday, 4th May 2021

ધૈર્યરાજસિંહને મળશે નવજીવન:અમેરિકાથી 16 કરોડનું ઈન્જેક્શન આવી ગયું : મુંબઈ હોસ્પિટલમાં સારવાર શરૂ

ધૈર્યરાજ સિંહને સ્પાઈનલ મસ્ક્યૂલર એટ્રોફી (SMA) નામની એક દુર્લભ બીમારી

અમદાવાદ : રાજ્યના મહીસાગર જિલ્લાના કાનેસર ગામના માસૂમ બાળક ધૈર્યરાજ સિંહની દુર્લભ બીમારીથી પીડાઈ રહ્યો છે, ત્યારે હવે તેને નવજીવન મળવા જઈ રહ્યું છે. હકીકતમાં ધેર્યરાજનો જીવ બચાવવા માટે જરૂરી એવું 16 કરોડ રૂપિયાનું ઈન્જેક્શન અમેરિકાથી આવી ગયું છે. જે બાદ આજે ધૈર્યરાજ સિંહની મુંબઈ સ્થિત હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જ્યાં આવતીકાલે ધૈર્યરાજને આ મોંઘુ ઈન્જેક્શન આપવામાં આવશે.

રાજદીપ સિંહ રાઠોડના પુત્ર ધૈર્યરાજની ઉંમર માત્ર 3 મહિનાની છે. પ્રથમ દ્રષ્ટિએ જોઈએ તો બાળક તંદુરસ્ત છે, પરંતુ જન્મના દોઢ મહિનામાં શારીરિક પરિવર્તન જોતા દુર્લભ બીમારીના લક્ષણો જાણવા મળ્યા. ધૈર્યરાજ સિંહને સ્પાઈનલ મસ્ક્યૂલર એટ્રોફી (SMA) નામની એક દુર્લભ બીમારી છે

સ્પાઈનલ મસ્ક્યૂલર એટ્રોફી એટલે કે એસએમએની ભારતમાં સારવાર શક્ય નથી અને તેની સારવાર માટે જરૂરી ઈન્જેક્શન વિદેશથી મંગાવવું પડે છે. જેની કિંમત 16 કરોડ રૂપિયાં છે. આટલું જ નહીં, તેના પર લગભગ 6 કરોડ રૂપિયાનો ટેક્સ પણ લાગે છે. આમ તેની કિંમત 22 કરોડ રૂપિયા થઈ જાય છે. જો કે મધ્યમવર્ગીય પરિવારના આ બાળક માટે ગુજરાત સહિત દેશ-વિદેશમાંથી મદદના હાથ ઉઠવા લાગ્યાં હતા.

પોતાના પુત્રને બચાવવા માટે રાજદીપ સિંહ રાઠોડે ધૈર્યરાજના નામે ‘ઈમ્પેક્ટ ગુરુ’ નામની એનજીઓમાં ખાતું ખોલાવીને દાન માટે અપીલ કરી હતી. જે બાદ ગુજરાત સહિત દેશ-વિદેશમાંથી ધૈર્યરાજ માટે દાનની સરવાણી વહી હતી. આખરે રાજદીપ સિંહની મહેનત રંગ લાવી અને ધૈર્યરાજની સારવાર માટે જરૂરી એવું કિંમતી ઈન્જેક્શન અમેરિકાથી ભારત આવી ગયું છે. હવે આવતી કાલે આ ઈન્જેક્શન ધૈર્યરાજને આપવામાં આવશે

(8:04 pm IST)