ગુજરાત
News of Monday, 4th July 2022

બોરસદમાં ધોધમાર વરસાદ પડતા પાણીમાં ડૂબતા 3 લોકોના મોત: મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ બોરસદની મુલાકાત લઈ મૃતકના પરિવારને સાંત્વના પાઠવી

બોરસદમાં ગતરોજ ભારે વરસાદ વરસ્યો હતો. આશરે 11 ઈંચથી વધુ વરસાદ વરસતા તાલુકાના સિસ્વા ગામ સહિત ભાદરણ તેમજ કઠોલ ગામમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા

આણંદ" આણંદમાં આવેલા બોરસદમાં ગતરોજ 12 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. પૂર અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ માંડ સારી થઈ રહી છે. તેવામાં બોરસદમાં ધોધમાર વરસાદ પડતા જનજીવન પ્રભાવિત થયું હતું. જેને પગલે પાણીમાં ડૂબતા 3 લોકોના મોત સાથે કેટલાક પશુઓ મોતને ભેટ્યા હતા. ત્યારે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આજરોજ બોરસદની મુલાકાત લઈ મૃતકના પરિવારને સાંત્વના પાઠવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, આણંદ જિલ્લામાં આવેલા બોરસદમાં ગતરોજ ભારે વરસાદ વરસ્યો હતો. આશરે 11 ઈંચથી વધુ વરસાદ વરસતા તાલુકાના સિસ્વા ગામ સહિત ભાદરણ તેમજ કઠોલ ગામમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. સિસવા ગામમાં પાણી ભરાતા જનજીવન પર ગંભીર અસર સર્જાઈ હતી. 380 જેટલા લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરાવવામાં આવ્યા હતા. આ સાથે વરસાદી પાણીથી લોકોની ઘરવખરી સાથે પશુ ધનને પણ વ્યાપક નુકસાન થયું હતું. મૂશળધાર વરસાદ વરસતા પુરવઠા વિભાગના અનાજના ગોડાઉનમાં પણ ચારેતરફ પાણી ફરી વળ્યા હતા. ગોડાઉનમાં ચારે તરફ પાણી ફરી વળતા પાણીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. બીજી બાજુ વરસાદ પગલે તારાજી સર્જાતા ત્રણ લોકોના પાણામાં ડૂબી જવાથી મોત નીપજ્યા હતા. બીજી બાજુ 90 જેટલા પશુઓના મોત પણ નીપજ્યા છે. જેની જાણ થતા મૃતકના પરિવારને સાંત્વના પાઠવવા મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી બોરસદની મુલાકાતે આવ્યા છે.
મહત્વનું છે કે, મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ સરકારી સહાયનો 4 લાખ રૂપિયાનો ચેક આપી મૃતકના પરિવારને સાંત્વના પાઠવી હતી. તેની સાથે સ્થળાંતર કરાયેલા તમામ નાગરિકોને મળીને વ્યવસ્થા અંગે તપાસ પણ કરી હતી. તેમજ બોરસદના અસરગ્રસ્ત વિસ્તાની સમીક્ષા પણ કરી હતી. તે સમયે મહેસૂલ મંત્રી સાથે સાંસદ, કલેકટર અને ડી.ડી.ઓ પણ જોડાયા હતા.
ઉલ્લેખનીય છે કે, બોરસદમાં ખાબકેલા વરસાદથી ઘણ લોકોને મુશ્કેલી તેમજ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વરસાદી પાણી ગામોમાં ભરાઈ જતા લોકોને ઘરમાં રહેવું મુશ્કેલી બન્યું હતું. જો કે, 24 કલાક બાદ વરસાદી પાણી ઓસરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પાણી ઓસરતા ગામમાં દવાનો છટકાવ કરવામાં આવ્યો હતો. તેની સાથે મેડિકલ ટીમો પણ કામે લાગી છે.

(5:01 pm IST)