ગુજરાત
News of Monday, 4th July 2022

વસ્ત્રાલમાં મોર્નિંગ વોક કરી રહેલ યુવક સાથે થયેલ હિટ એન્ડ રનની ઘટનામાં ચોકાવનારો ખુલાસો !

મોર્નિંગ વોક કરવા નિકળેલા યુવકની અકસ્માતે મોત નથી થઈ પરંતુ તેની હત્યા કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો

અમદાવાદ તા.04 : અમદાવાદના વસ્ત્રાલમાં થોડા દિવસ પહેલા થયેલ  હિટ  એન્ડ રનની ઘટનામાં ચોકાવનારો ખુલાસો થયો છે. જેમાં જાણવા મળતી વિગતો અનુસાર, મૃતકની પત્ની અને પ્રેમીએ મોર્નિંગ વોક કરવા નિકળેલા યુવકની હત્યા નીપજવવાનું કાવતરું ઘડ્યું હતું. જેને લઈ ક્રાઇમ બ્રાંચે બંને આરોપીની ધરપકડ કરી છે.

બનવાની  મળતી માહિતી અનુસાર, છેલ્લા અઢી વર્ષથી મૃતકની પત્ની પ્રેમસંબંધમાં હતી. પત્ની અને તેના પ્રેમીએ 10 લાખની સોપારી આપીને આ હત્યાનું કાવતરું ઘડ્યું હતું. હાલ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ ઘટનામાં અન્ય બે આરોપીની પણ સંડોવણી છે.

ઉલ્લેખનીય છે કે, 24 જુનના રોજ અમદાવાદમાં હિટ એન્ડ રનની આ ઘટનામાં યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. સવારે 6 વાગ્યાના અરસામાં કેનારા બેંકથી થોડા આગળ શૈલેષ પ્રજાપતિ મોર્નિંગ વોક પર જતાં હતાં. આ દરમિયાન પાછળથી પુરપાટ આવી રહેલી બોલેરો કારના ડ્રાઈવરે તેમને અડફેટે લીધાં હતાં. આ અકસ્માતમાં શૈલેષ પ્રજાપતિનું ગંભીર ઈજા થવાને કારણે અવસાન થયું હતું. ડ્રાઈવર આ ઘટના બાદ ફરાર થઈ ગયો હતો.

(8:30 pm IST)