ગુજરાત
News of Monday, 4th July 2022

વડોદરાના સરદાર એસ્ટટમાં કાચવાલા બ્રધર્સ કંપનીમાં બોઇલરમાં પ્રચંડ બ્લાસ્ટ :માલિકનું કરૂણમોત : બે ને ઇજા

બે માલિક બંધુ અને બે કર્મચારી કંપની બહાર ઉભા હોવાથી આબાદ બચાવ થયો

વડોદરાના સરદાર એસ્ટટમાં કાચવાલા બ્રધર્સ કંપનીમાં બોઇલર બ્લાસ્ટ થતાં માલિકનું મોત થયું છે. પ્રચંડ ધડાકા સાથે કંપનીનું બોઇલર ફાટતા કંપનીમાં મશીનો ચાલુ કરીને ખુરશી ઉપર બેઠેલા કાચવાલા બંધુઓ પૈકી વચલા ભાઈ દિલાવર કાચવાલાને માથામાં કાચ વાગતા તેમનું મોત થયું હતું. જ્યારે ટીનાબહેન કહાર સહિત બે કર્મચારીઓને સામાન્ય ઇજા પહોંચી હતી.

આ કંપનીમાં પાવડર કોટીંગનું કામ કરવામાં આવે છે. કંપની આજવા રોડ બહાર કોલોનીમાં રહેતા ત્રણ ભાઇ શબ્બીરભાઇ કાચવાલા, દિલાવરભાઇ કાચવાલા અને નાસીરભાઇ કાચવાલા ચલાવે છે. કંપનીમાં બે મહિલાઓ હંસાબહેન નાડીયા, ટીનાબહેન કહાર સહિત ત્રણ વ્યક્તિઓ કામ કરે છે. આજે સવારે ત્રણે ભાઇઓ કંપનીમાં રોજના સમયે આવી ગયા હતા. તે સાથે કર્મચારીઓ પણ કામ ઉપર આવી ગઇ હતી. ત્યારે ઘડાકો થયો હતો.

કંપનીમાં મશીનરી ચાલુ થયા બાદ આ ઘટનામાં મૃત્યુ પામેલા દિલાવરભાઇ કાચવાલા ખુરશી ઉપર બેસી રહ્યા હતા. જ્યારે તેમના મોટાભાઇ શબ્બીરભાઇ કાચવાલા, નાના ભાઇ નાસીરભાઇ કાચવાલા તેમજ કંપનીમાં કામ કરતા હંસાબહેન નાડીયા, ટીનાબહેન કહાર (રહે. ઉકાજીનું વાડીયુ, વાઘોડિયા રોડ) તેમજ અન્ય એક કર્મચારી કંપની બહાર આવીને ઉભા હતા. દરમિયાન પ્રચંડ ધડાકા સાથે બોઇલર ફાટતા આગનો ભડકો થયો હતો. પરિણામે ઘટનામાં બે મોટા અને નાના ભાઇનો આબાદ બચાવ થયો હતો. પરંતુ, દરવાજા પાસે ઉભેલા ટીનાબેન કહાર સહિત બે વ્યક્તિને આગની ઝાળ લાગતા સામાન્ય દાઝી ગયા હતા.

પ્રચંડ ધડાકાને પગલે કંપનીના બારીઓના કાચ વેરણ-છેરણ થયા હતા. દરવાજાઓ પણ ઉછળીને ફેંકાઇ ગયા હતા. પ્રચંડ ધડાકો થતાં બે કિલોમીટર સુધી અવાજ સંભળાતા આસપાસમાં આવેલા નાના-મોટા કારખાનાના કર્રમચારીઓ કંપની બહાર આવી ગયા હતા. તે સાથે લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. કંપનીમાં આગ લાગી હોવાથી કોઇએ અંદર જવાની હિંમત કરી ન હતી. દરમિયાન આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા પાણીગેટ ફાયર બ્રિગેડના સબ ફાયર ઓફિસર નિકુંજ આઝાદ પોતાની ટીમ સાથે સ્થળ પર દોડી ગયા હતા અને ઇજાગ્રસ્તોને તુરંત જ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. તે સાથે લાશ્કરોએ કંપની સ્થિત ત્રણ ગેસ સિલિન્ડરો બ્લાસ્ટ થાય તે પહેલાં સલામત સ્થળે ખસેડી લેતા મોટી હોનારત ટળી ગઇ હતી.

કંપનીના કર્મચારી હંસાબહેન નાડીયાએ જણાવ્યું હતું કે, અમારા બે શેઠ અને અમે કંપનીની બહાર ન હોત તો કદાચ અમે પણ ભોગ બન્યા હોત. પ્રચંડ ધડાકો થતાં અમે ગભરાઇ ગયા હતા. જોકે, અમારા શેઠ દિલાવરભાઇ કંપનીની અંદર ખુરશી ઉપર બેઠા હોવાથી તેઓને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. તે સાથે અમારા સાથે કામ કરતા 40 વર્ષિય ટીનાબહેન કહાર દરવાજા પાસે ઉભા હોવાથી તેઓને આગની ઝાળ લાગતા ઇજા પામી હતી. આ સાથે અન્ય એક વ્યક્તિને પણ ઇજા પહોંચી હતી.

સબ ફાયર ઓફિસર નિકુંજ આઝાદે જણાવ્યું હતું કે, કાચવાલા બ્રધર્સ કંપનીમાં બોઇલર ફાટતા પ્રચંડ ધડાકો થયો હતો. બનાવની જાણ થતાં અમારી ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે મોકલી આપ્યા હતા. તે સાથે કંપની સ્થિત ત્રણ ગેસ સિલિન્ડર સલામત સ્થળે ખસેડી લીધા હતા. આ ગેસ સિલીન્ડર ડોમેસ્ટીક હતા. કંપનીમાં ફાયર સેફ્ટીની સુવિધા હતી કે નહિં તે અંગે તપાસ કરવામાં આવશે. આ બનાવની જાણ પોલીસને થતાં પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી હતી. પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

આ બનાવની જાણ કોર્પોરેશનના વિપક્ષી નેતા અમી રાવત અને કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર અનિલ પરમારને થતાં તેઓ સ્થળ પર દોડી ગયા હતા. વિપક્ષી નેતા અમી રાવતે જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા નાની-મોટી કંપનીઓમાં કંપની એક્ટ મુજબ તપાસ થતી ન હોવાથી આવી દુર્ઘટનાઓ સર્જાતી હોય છે. સદભાગ્યે આ કંપનીમાં મોટી દુર્ઘટના ટળી છે. જોકે, કંપનીના માલિકનું મોત થયું છે અને બે વ્યક્તિને ઇજા પહોંચી છે

(9:22 pm IST)