ગુજરાત
News of Wednesday, 4th August 2021

શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધતાં પાઠ્ય પુસ્તક માટે સરકાર દ્વારા શાળાઓ પાસેથી માહિતી મંગાઈ

ધો.9થી 12માં બીજા તબક્કાના પાઠ્ય પુસ્તકો આપવાની કાર્યવાહી શરૂ કરાશે

અમદાવાદ : : પાઠ્ય પુસ્તકો ગુજરાતની ઘણી શાળાઓમાં પહોંચ્યા નહીં હોવાની આમ આદમી પાર્ટી ( આપ ) દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. ત્યારે આજે ગુજરાત રાજય પાઠ્ય પુસ્તક મંડળ તરફથી ધોરણ-9થી 12માં બીજા તબક્કાના પાઠ્ય પુસ્તકો આપવાની કાર્યવાહી ગુરૂવારથી શરૂ કરવામાં આવશે. સરકાર દ્વારા માસ પ્રમોશન અને વર્ગ વધારના કારણે નવા પ્રવેશ પામેલા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થવાથી વધારાના પાઠ્ય પુસ્તકો માટે શાળાઓ પાસેથી માહિતી મંગાવી છે.

શાળાઓએ 15 ઓગસ્ટ સુધીમાં પાઠય પુસ્તક મંડળની વેબસાઈટ પર જરૂરીયાત મુજબના પુસ્તકો અંગેની વિગતો અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ ડેટાની ચકાસણી કરી 17 ઓગસ્ટ બાદ પુસ્તક મંડળ દ્વારા માગણી મુજબના પુસ્તકો આપવાની કામગીરી શરૂ કરવામાં આવશે.

ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા શૈક્ષણિક વર્ષ 2021-22 માટે ઓનલાઈન ટેક્સબુક ઈન્ડેન્ટ સિસ્ટમ દ્વારા જિલ્લાની શાળાઓ દ્વારા માધ્યમ અને વિષય પ્રમાણે ધોરણ-9થી 12માં વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ પાઠ્ય પુસ્તકોની જરૂરીયાત મેળવી હતી અને તે મુજબના પુસ્તકો શાળા વિકાસ સંકુલ સુધી પહોંચાડ્યા હતા.

શાળા વિકાસ સંકુલને મળેલા પાઠ્ય પુસ્તકો અંગેની રીસીવ્ડ ટેક્સબુકની ડેટા એન્ટર કરવાની કામગીરી કાર્યરત છે. આ કામગીરી પુર્ણ થયા બાદ પાઠ્ય પુસ્તકોની નવી માંગણી સ્વિકારવાનું નક્કી કરાયું છે.

કોવિડ-19ના કારણે સરકારના નિર્ણય અનુસાર માસ પ્રમોશન અને વર્ગ વધારામાં નવા પ્રવેશ પામેલા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો હોવાથી શાળાઓ પાસેથી શાળા વિકાસ સંકુલના કન્વીનરે વધારાના પાઠ્ય પુસ્તકોની માગણીનું સંકલન કરવાનું રહેશે. ત્યારબાદ વેબસાઈટ પર જઈ ધોરણ-9થી 12માં માધ્યમ, વિષય અને વિદ્યાર્થી સંખ્યા મુજબ પાઠ્ય પુસ્તકોની જરૂરીયાતની ઓનલાઈન ડેટા એન્ટર કરવાની કામગીરી 5 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધીમાં પુર્ણ કરવાની રહેશે.

ઓનલાઈન ટેક્સબુક ઈન્ડેન્ટ સિસ્ટમમાં ડેટા એન્ટર કરવાની કામગીરી પાઠ્ય પુસ્તક મંડળની વેબસાઈટ પર કરવાની રહેશે. તમામ માહિતી અપલોડ કર્યા બાદ તેની ચકાસણી કરી કન્ફર્મ અને લોક કરવાની રહેશે. ત્યારબાદ આ માહિતીમાં કોઈ પણ જાતનો ફેરફાર કરી શકાશે નહીં.

આ કામગીરી શાળા વિકાસ સંકુલ કક્ષાએ 15 ઓગસ્ટ સુધીમાં પુર્ણ કરવાની રહેશે. આ માહિતી ત્યારબાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ચકાસવામાં આવશે. આમ, તમામ શાળાઓ માટેના પાઠ્ય પુસ્તકની જરૂરીયાતની ચકાસણી કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા કરવામાં આવશે.

ત્યારબાદ પાઠ્ય પુસ્તકો શાળા વિકાસ સંકુલ સુધી પહોંચાડવાની કામગીરી શરૂ કરવામાં આવશે. શાળાઓ તરફથી મળેલી માંગણી મુજબના પાઠ્ય પુસ્તકો 17 ઓગસ્ટ પછી ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળ તરફથી મોકલી આપવામાં આવશે તેમ સુત્રોએ જણાવ્યું હતું. ત્યારબાદ કોઈ પણ પાઠ્ય પુસ્તકની માગણી રૂબરૂમાં સ્વિકારવામાં આવશે નહીં.

(11:18 pm IST)