ગુજરાત
News of Wednesday, 4th August 2021

શાળામાં મહત્વના વિષયના શિક્ષકો જ નહીં હોવાથી વિદ્યાર્થીઓના શિક્ષણને થતી અસર

હંગામી વર્ગોની માફક પ્રવાસી શિક્ષકો ભરવા માટેની જવાબદારી ડીઇઓને આપવા માંગ: રાજય શાળા સંચાલક મંડળ તરફથી શિક્ષણ સચિવને પત્ર લખી રજૂઆત

અમદાવાદ :  રાજ્યની શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થઈ ચુક્યું છે. પરંતુ ઘણી શાળાઓમાં મહત્વના વિષયો માટે શિક્ષકો મળ્યા નહીં હોવાથી વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર થઇ રહી છે. જેથી આ ખાલી જગ્યાઓ પર પ્રવાસી શિક્ષકોની નિમણૂંક કરવા માંગ ઉઠી છે. તેના માટે ગ્રાન્ટેડ સ્કૂલોમાં હંગામી વર્ગ વધારો કરવાની સત્તા DEOને સોંપવામાં આવી તે જ રીતે આ હંગામી વર્ગો માટે પ્રવાસી શિક્ષકોની ભરવા માટેની જવાબદારી પણ DEOને સોંપવામાં આવે તે માટે ગુજરાત રાજય શાળા સંચાલક મંડળ તરફથી શિક્ષણ સચિવને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.

ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલ તથા અધ્યક્ષ દિનેશ પંડયાએ રાજયના માધ્યમિક અને પ્રાથમિક શિક્ષણ વિભાગના સચિવ વિનોદ રાવને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, જૂનમાં રાજ્યની ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિવિધ વિષયોના શિક્ષકોની પસંદગી અને નિમણુંક રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવી હતી.

6 ઓગસ્ટના રોજ ગુજરાતની માધ્યમિક ગ્રાન્ટેડ શાળાઓમાં મુખ્યમંત્રી દ્વારા નિમણુંક પત્રોનું વિતરણ કરવામાં આવનાર છે. ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં કેટલાક વિષયોમાં શાળાઓએ માંગણી કરેલા શિક્ષકોની અરજીઓ ઉપલબ્ધ ન હોવાથી તે જગ્યાઓ ખાલી રહેવા પામી છે. જેમાં આંકડાશાસ્ત્ર, ભૂગોળ, તર્કશાસ્ત્ર અને અન્ય વિષયમાં શાળાઓને ફાળવણી થયેલી નથી.

ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા એમ.કોમ. બી.એડ.ના શિક્ષકોને આંકડાશાસ્ત્રની જગ્યા પર ફાળવવા માટે લેખિતમાં રજૂઆત પણ કરેલી છે. ગુજરાતમાં આંકડાશાસ્ત્ર વિષયવાળા શિક્ષકોની ખુબ જ અછત છે અને એકાઉન્ટ સાથે એમ.કોમ., બીએડ શિક્ષક આંકડાશાસ્ત્ર ભણાવી શકે તેમ હોવાથી આ અંગેની જોગવાઈ કરવા માટે વિનંતી કરી છે.

વધુમાં જણાવ્યું છે કે, ધોરણ-10માં માસ પ્રમોશનને કારણે વર્ષ 2021-22 અને 2022-23ના આગામી બે વર્ષોમાં ધોરણ-11 અને ત્યારબાદ ધોરણ-12ના વર્ગોની વધઘટ થશે. જેને ધ્યાને રાખીને શિક્ષણ વિભાગે આ પ્રકારના હંગામી વર્ગોની પરવાનગી જિલ્લા કક્ષાએથી જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આપવા માટે સત્તા આપી છે. આ પરિપત્રમાં આ પ્રકારના વર્ગની વર્ગદીઠ મળતી માસિક ગ્રાન્ટને શાળાને ચુકવવામાં નહીં આવે તેવી સુચના પણ દર્શાવવામાં આવી છે.

આમ, થવાથી અંદાજે એક શાળાને વર્ષ દરમિયાન મળવાપાત્ર ગ્રાન્ટની એક વર્ગની રૂ. 18 હજારથી રૂ. 24 હજાર ગ્રાન્ટ ઓછી મળશે. તેવા સંજોગોમાં હંગામી વર્ગો માટે તાત્કાલિક અસરથી પ્રવાસી શિક્ષકો ફાળવવાની સત્તા પણ જિલ્લા શિક્ષણાધિકારીને આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. આ મુદ્દે તાત્કાલિક નિર્ણય લેવામાં આવે તેમ પણ જણાવાયું છે, કેમ કે હાલમાં સ્કૂલોમાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થઇ ચુક્યું છે અને મહત્વના વિષયના શિક્ષકો વગર શિક્ષણ ખોરંભે પડ્યુ હોવાથી તાકીદે નિર્ણય લેવા માટે જણાવાયું છે.

(11:21 pm IST)