ગુજરાત
News of Friday, 4th September 2020

285 કરોડના બિલિંગ કૌભાંડના આરોપી લલિત શર્માની સ્ટેટ જીએસટીની ટીમ દ્વારા સુરતથી ધરપકડ

સુરતના કૌભાંડી યોગેશ ચલથાનવાલા,મનીષ શાહનું પણ કનેક્શન ખુલ્યું

અમદાવાદઃ ચાર બોગસ પેઢીઓ પોતાના અને સગાના નામે ઉભી કરી 285 કરોડના બિલિંગ કૌભાંડ આચરનાર લલિત શર્માની સ્ટેટ જીએસટીની (GST) ટીમે સુરતથી ધરપકડ કરી છે. આરોપીએ બિલિંગ કૌભાંડ આચરી સરકારને 19 કરોડનો ફટકો માર્યો છે.સુરતના પકડાયેલા કૌભાંડી યોગેશ ચલથાનવાલા,મનીષ શાહ અને બોગસ રિફંડ કૌભાંડમાં પણ લલિત શર્મા (Lalit Sharma)નું કનેક્શન ખુલ્યું છે.

લલિત મહિપાલ શર્મા દ્વારા મેસર્સ લક્ષ્મી સિલ્ક મિલ્સ, મેસર્સ સુમન ટેક્ષટાઇલ્સ, મેસર્સ ભાવેશ એન્ટરપ્રાઈઝ અને મેસર્સ એસ.ટેક્ષ નામની બોગસ પેઢીઓ ઉભી કરી હતી. લલિત શર્માએ બોગસ પેઢી ઓ ઉભી કરી યોગેશ ચલથાનવાલા અને મનીષ શાહ સંચાલિત છ પેઢીઓને તેમજ સુરતમાંથી પકડાયેલા બોગસ રિફંડ કૌભાંડમાં સંડોવાયેલી પેઢીઓને બિલો ઇસ્યુ કરવામાં આવ્યા હતા.

લલિત શર્માએ ઉભી કરેલી ચાર બોગસ પેઢીઓમાંથી જુદી જુદી શ્રોફ પેઢીઓમાં પૈસા ટ્રાન્સફર કર્યા બાદ આજ શ્રોફ પેઢીઓ પાસેથી રોકડમાં રકમ લેવામાં આવ્યાનું સ્ટેટ જીએસટીની તપાસમાં ખુલ્યું છે. આરોપી લલિતને કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.

લલિત મહિપાલ શર્માએ ઉભી કરેલી બોગસ પેઢીઓમાં મે. લક્ષ્મી સિલ્ક મિલ્સની 6.71 કરોડ વેરાની રકમ, મેસર્સ સુમન ટેક્ષટાઇલ્સની 5.94 કરોડ વેરાની રકમ, મેસર્સ ભાવેશ એન્ટરપ્રાઈઝ 4.95 કરોડ અને મેસર્સ એસ.ટેક્ષ 1.48 કરોડ વેરાની રકમ કાઢવામાં આવી છે. આમ કુલ મળી આરોપીની ચાર બોગસ પેઢી દ્વારા 19.08 કરોડના વેરાની ચોરી કરી હતી. જોકે સમગ્ર કૌભાંડ બહાર આવતા આરોપીની ધરપકડ થઈ છે.

(9:43 pm IST)