ગુજરાત
News of Friday, 4th September 2020

સ્નાતકના ત્રીજા વર્ષના પરિણામ વગર અનુસ્નાતક કક્ષાએ છાત્રોને પ્રવેશ આપવા યુનિવર્સિટીને યુજીસીનો આદેશ

વિદ્યાર્થીઓનું પીજી કક્ષાએ એક સેમેસ્ટર બચાવવા પ્રોવીઝનલ ધોરણે પ્રવેશ આપવા સુચના

રાજકોટ, તા. ૪ : કોવિડ-૧૯ની સ્થિતિમાં સૌથી વધુ પ્રભાવિત શિક્ષણ ક્ષેત્ર થયુ છે. શાળા - કોલેજો બંધ છે. ખૂબ સાવચેતી સાથે પરીક્ષા લેવાઈ રહી છે. નવુ શૈક્ષણિક સત્ર વાસ્તવિક રીતે કયારે ચાલુ થશે તે હજુ અદ્ધરતાલ છે છતા સરકાર અને શિક્ષણ વિભાગ ધીરે ધીરે પરીક્ષા અને પ્રવેશ કાર્યવાહી ઓનલાઈનની જોગવાઈ હેઠળ આગળ ધપાવી રહી છે.

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી) દ્વારા દેશભરની તમામ યુનિવર્સિટીઓને ૩૦ સપ્ટેમ્બર પહેલા સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવા આદેશ આપ્યો છે.

સ્નાતક પરીક્ષાની પરીક્ષાના પરીણામ આવ્યા ન હોય તો પણ અનુસ્નાતક પોસ્ટ ગ્રેજ્યુએશનમાં પ્રોવિઝનલ એડમીશન આપવા સુચના આપવામાં આવી છે. આ સિવાય આગામી દિવસોમાં યુજીસીએ નવી માર્ગદર્શિકા બહાર પાડી છે.

કોરોનાના કેસોમાં વધારો થતા મોટાભાગની યુનિવર્સિટીએ છેલ્લા વર્ષની પરીક્ષાઓ લીધી નથી. ગુજરાત રાજયમાં પણ અનેક યુનિવર્સિટીઓમાં ગ્રેજ્યુએશનની છેલ્લા વર્ષની પરીક્ષાઓ ચાલી રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સંપન્ન પણ કરી લીધી છે. જયારે ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષા ચાલુ કરી છે.

સ્નાતક કક્ષાની અંતિમ વર્ષની પરીક્ષાનું પરિણામ આવે પછી જ પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવે તો ઓકટોબર - નવેમ્બર માસ સુધી પ્રવેશ પ્રક્રિયા લંબાવવી પડે તેમ છે. આ સ્થિતિમાં વિદ્યાર્થીઓનું એક સેમેસ્ટર બગડી શકે છે. તેમ યુજીસીએ દેશની તમામ યુનિવર્સિટીઓને એક પરિપત્ર મોકલી તે તાકીદ કરી છે કે અંડર એજ્યુકેશનની પરીક્ષા ચાલુ હોય તો પણ પીજીમાં પોસ્ટ ગ્રેજ્યુએશનમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવાની રહેશે. હાલમાં વિદ્યાર્થીઓને પ્રોવીઝનલ પ્રવેશ આપવાના રહેશે. જયારે છેલ્લા વર્ષનું પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓને ફાઈનલ પ્રવેશ આપવામાં આવશે.

(2:57 pm IST)