ગુજરાત
News of Friday, 4th September 2020

ઓગણજના પંચ જિનેશ્વર કેવલધામ જૈન દેરાસરમાં ચોકીદારને મારી ચલાવી લૂંટ

ભગવાનની પંચ ધાતુની મૂર્તિ, પંચ ધાતુનો મુગટ, દાનપેટીની રોકડ અને ઓફીસમાં પડેલી રોકડ સહિતની લૂંટ

અમદાવાદ: શહેરના ઓગણજ વિસ્તારમાં લપકામણ રોડ પર આવેલા પંચ જિનેશ્વર કેવલધામ જૈન દેરાસરમાં મોડી રાત્રે 1 વાગ્યે સાત ધાડપાડુઓ ત્રાટકયા હતા. આરોપીઓએ ચોકીદારના મોં પર દુપટ્ટો બાંધી દીધો અને ચાર શખ્સે તેને માર માર્યો હતો. જ્યારે બાકીના ત્રણ આરોપીઓએ દેરાસરની ઓફિસ અને રૂમના લોક તોડી ઘુસી ગયા હતા. આરોપીઓએ ગણતરીના સમયમાં ભગવાનની પંચ ધાતુની મૂર્તિ, પંચ ધાતુનો મુગટ, દાનપેટીની રોકડ અને ઓફીસમાં પડેલી રોકડ સહિત રૂ. 64,500ની મતાની લૂંટ ચલાવી હતી.

ઓગણજ ગામમાં સુરમ્ય ફલાવર ફ્લેટમાં રહેતાં નાગર મંગળ પ્રજાપતી (ઉં,65) લપકામણ રોડ પર આવેલા પંચ જિનેશ્વર કેવલધામ જૈન દેરાસરમાંચોકીદાર તરીકે ફરજ બજાવે છે.

નાગરભાઈ સાથે બીજા બે ચોકીદાર ફરજ બજાવે છે. દરેક ચોકીદાર બે-બે કલાક આરામ કરે છે, એક ચોકીદાર જાગતો હોય છે.મંદિરની પાણીની પરબ પાસે બાંધેલો ઘંટ દર કલાકે જેટલા વાગ્યા હોય તેટલી વાર વગાડવાનો હોય છે.રાત્રે એક વાગ્યે નાગરભાઈએ એક વાર ઘંટ વગાડ્યો હતો.

બાદમાં પાછળની દીવાલ કૂદીને આવેલા સાત જેટલા આરોપીઓએ નાગરભાઈના મોં પર દુપટ્ટો નાંખી હાથથી મોં દબાવી દીધું અને ચાર શખ્સો તેમને મારવા લાગ્યા હતા.બાકીના ત્રણ શખ્સોએ ઓફિસના રૂમના લોક તોડી નાખ્યા તેમજ મંદીરમાં ઘુસ્યા હતા.મંદિરમાંથી  આરોપીઓ ભગવાનની પંચ ધાતુની રૂ.3 હજારની મુર્તી, દાનપેટીમાંથી રૂ.1 હજાર, ઓફિસની દાનપેટીમાંથી રૂ.1 હજાર, પાકીટમાંથી રૂ 8500 રોકડ અને ભગવાનનો પંચ ધાતુનો મુગટ રૂ.51 હજારનો મળીને કુલ રૂ.64,500ની મતાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતાં.

બનાવ બાદ નાગરભાઈએ મોં પર બાંધેલો દુપટ્ટો જાતે છોડ્યો અને મંદિરની પાછળના રૂમમાં સુતા દિલીપભાઈને જગાડ્યા હતા.મંદીરના અન્ય સ્ટાફના લોકોને જાણ કરી હતી.ઇમર્જન્સી એમ્બ્યુલન્સ બોલાવી નાગરભાઈને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ મોકલ્યા ત્યાંથી વધુ સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા.ડૉક્ટરે ગંભીર ઇજા ન હોવાથી નાગરભાઈને રજા આપી હતી.બનાવની જાણ થતાં સોલા પોલીસે સ્થળ પર જઈ તપાસ હાથ ધરી હતી.પોલીસે નાગરભાઈની ફરિયાદને પગલે ગુનો દાખલ કર્યો હતો.

(6:34 pm IST)