ગુજરાત
News of Tuesday, 4th October 2022

અમદાવાદની મહેમાન બની માધુરીઃ મલ્‍હાર ઠાકર સાથે રમ્‍યા ગરબા

અમદાવાદમાં મિરચી રોક એન્‍ડ ઢોલ ગરબામાં બોલિવૂડની જાણીતી એક્‍ટ્રેસ માધુરી દિક્ષીતે હાજરી આપી હતી : અમદાવાદની મુલાકાત દરમિયાન માધુરીએ વિવિધ ગુજરાતી વાનગીઓ જેવી કે મોહનથાળ, બાસુંદી, દાળઢોકળી, થેપલા, ખમણનો સ્‍વાદ માણ્‍યો હતો

અમદાવાદ,તા. ૪ : અમદાવાદમાં મિરચી રોક એન્‍ડ ઢોલ ગરબામાં બોલિવૂડની જાણીતી એક્‍ટ્રેસ માધુરી દિક્ષીતે હાજરી આપી હતી. ફિલ્‍મ ‘મજા મા'ના પ્રમોશનના ભાગરૂપે માધુરી અમદાવાદ આવી હતી અને મિરચી રોક એન્‍ડ ઢોલના ગરબામાં ભાગ લીધો હતો.
માધુરીની સાથે-સાથે ગુજરાતી સિનેમાનો જાણીતો એક્‍ટર મલ્‍હાર ઠાકર પણ ત્‍યાં હાજર રહ્યો હતો કારણકે માધુરી સ્‍ટારર ફિલ્‍મ ‘મજા મા'માં ગુજરાતી એક્‍ટર મલ્‍હાર પણ નાનકડા રોલમાં જોવા મળશે. અમદાવાદની મુલાકાત દરમિયાન માધુરીએ વિવિધ ગુજરાતી વાનગીઓ જેવી કે મોહનથાળ, બાસુંદી, દાળઢોકળી, થેપલા, ખમણનો સ્‍વાદ માણ્‍યો હતો.
‘મજા મા'ની વાર્તા પણ ભારે રસપ્રદ છે કે જેમાં પિતાને ઈંગ્‍લિશ નહીં બોલવાની સમસ્‍યા છે, દીકરી ગુસ્‍સાવાળી છે, દીકરો ૯થી ૫ને નોકરી કરે છે જયારે માતા એકદમ પરફેક્‍ટ છે. માતા પરિવાર સંભાળે છે. ઓટીટી પ્‍લેટફોર્મ એમેઝોન પ્રાઈમ વિડીયોએ ‘મજા મા'નું ટ્રેલર લોન્‍ચ કર્યું છે. ‘મજા મા'માં ફિલ્‍મમાં ગુજરાતી એક્‍ટર મલ્‍હાર ઠાકર પણ નાનકડા રોલમાં જોવા મળશે.
‘મજા મા'ના ડિરેક્‍ટર આનંદ તિવારી છે. તારીખ ૬ ઓક્‍ટોબરે ઓટીટી પ્‍લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહેલી ફિલ્‍મ ‘મજા મા' વિશે વાત કરતા એક્‍ટ્રેસ માધુરી જણાવે છે કે, મેં અગાઉ ક્‍યારેય આ પ્રકારનું પાત્ર ભજવ્‍યું નથી. ફિલ્‍મમાં એક માતા તરીકે, એક પત્‍ની તરીકે અને સમાજમાં યોગદાનકર્તા તરીકે પલ્લવી પટેલ મોટી જવાબદારી ઉઠાવે છે.
બોલિવૂડની ધક ધક ગર્લ તરીકે ઓળખાતી અભિનેત્રી માધુરી દીક્ષિતે  ધ ફેમ ગેમ સીરિઝ સાથે ઓટીટી પ્‍લેટફોર્મ પર ડેબ્‍યુ કર્યુ હતું. અને હવે તેની વધુ એક ફિલ્‍મ મજા મા અમેઝોન પ્રાઈમ પર રીલિઝ થવાની છે. આ ફિલ્‍મ ૬ ઓક્‍ટોબરના રોજ સ્‍ટ્રીમ થશે. આ ફિલ્‍મમાં માધુરી દીક્ષિતની સાથે ગજરાજ રાવ, બરખા સિંહ, રિત્‍વિક ભૌમિક, શીબા ચડ્ડા, સિમોન સિંહ પણ મહત્‍વના રોલમાં જોવા મળશે. નોંધનીય છે કે ગુજરાતી અભિનેતા મલ્‍હાર ઠાકર પણ આ ફિલ્‍મમાં જોવા મળશે.
મેકર્સે ફિલ્‍મની રીલિઝ ડેટની સાથે સાથે એક ગરબા ગીત પણ રીલિઝ કર્યું છે. આ ગીતમાં માધુરીને ગરબા કરતી જોઈને તેના ફેન્‍સ ખુશ થઈ જશે. ખાસકરીને જયારે નવરાત્રિ નજીક છે ત્‍યારે ગુજરાતીઓને આ ગીત ચોક્કસપણે પસંદ આવી શકે છે. આ ગીતનું નામ છે બૂમ પડી. માધુરી બાંધણીના દુપટ્ટા સાથે રંગબેરંગી ચણિયા ચોલીમાં અત્‍યંત સુંદર લાગી રહી છે.
ડાન્‍સિંગ ક્‍વીન માધુરીને ગરબા કરતા જોઈને લાગી રહ્યું છે જાણે તે આમાં પણ નિષ્‍ણાત હોય. નવરાત્રિના તહેવારને ધ્‍યાનમાં રાખીને મેકર્સે આ ગીત પહેલા રીલિઝ કર્યું હોય તેમ લાગી રહ્યું છે. આ ગીત કૃતિ મહેશ દ્વારા કોરિયોગ્રાફ કરવામાં આવ્‍યું છે. કૃતિ મહેશે આ પહેલા ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્‍મનું ગીત ઢોલીડા પણ કોરિયોગ્રાફ કર્યુ હતું. કૃતિએ પોતાની ખુશી વ્‍યક્‍ત કરતાં જણાવ્‍યું કે, તેના માટે આ એક સપના સમાન છે. આ ગીત શ્રેયા ઘોષાલ અને ઓસમાન મીરે ગાયું છે.

 

  1.  

(11:15 am IST)