ગુજરાત
News of Friday, 4th December 2020

સુરત : ધન્વંતરી રથમાં ટેસ્ટિંગ કર્યા વિના જ કીટનો ઉપયોગ ! : વિડિઓ વાયરલ થતા તપાસના આદેશ

પ્રવાહીના સેમ્પલના આધારે ટેસ્ટ નેગેટિવ દર્શાવવાનો કારસો : તંત્ર દ્વારા ધન્વંતરી રથને ટેસ્ટિંગનો કોઈ ટાર્ગેટ આપવામાં આવ્યો નથી

સુરત : સુરતમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં ધન્વંતરી રથમાં ટેસ્ટિંગ કર્યા વિના જ કીટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને પ્રવાહીના સેમ્પલના આધારે ટેસ્ટ નેગેટિવ દર્શાવવાનો કારસો રચાઈ રહ્યો છે. આ વીડિયો વાયરલ થયા પછી તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
સુરતમાં કોરોનાનું સંક્રમણ દિવાળી બાદ ફરી એક વખત વધ્યું છે જેને લઈને તંત્ર પણ દોડતું થયું છે.  એક તરફ મનપા કમિશ્નર પોતે જ વધુમાં વધુ લોકોને ટેસ્ટિંગ કરાવવા અપીલ કરી રહ્યા છે પરંતુ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે જેને લઈને ખળભળાટ મચી જવા પામ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ધન્વંતરી રથ પર એક વ્યક્તિ કીટનો ઉપયોગ કર્યા વિના જ કીટ વપરાઈ ગયી છે તેવો કરસો રચી રહ્યો છે અને ટેસ્ટ નેગેટિવ દર્શાવવા પ્રવાહીના સેમ્પલ લઈ કિટને ફેકી રહ્યો છે. ટેસ્ટિંગ કર્યા વિના જ વધુ ટેસ્ટિંગ દર્શાવવામાં આવી રહ્યા છે અને કરોડોના ખર્ચે ખરીદાયેલી કીટનો આવી રીતે ગેરઉપયોગ થઇ રહ્યો છે. આ 3 મિનિટનો વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
આ વીડિયો અંગે તપાસ કરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે આ વીડિયો સુરતના સીંગણપોર વિસ્તારનો ગત 11 તારીખનો છે. આરોગ્ય અધિકારીએ આ બાબતે તપાસ કરવાના આદેશ આપી દીધા છે. આરોગ્ય વિભાગના ડેપ્યુટી કમિશ્નર આશિષ નાયકે જણાવ્યું હતું કે ધન્વંતરી રથને ટેસ્ટિંગનો ટાર્ગેટ આપ્યો હોવાની અફવા વહેતી થઇ છે તે સદંતર ખોટી છે. તંત્ર દ્વારા ધન્વંતરી રથને ટેસ્ટિંગનો કોઈ ટાર્ગેટ આપવામાં આવ્યો નથી તેમ છતાં આ બાબતે ગંભીર નોંધ લેવાઈ છે. આ મામલે કાર્યવાહી કરવામાં આવશે.

(11:38 pm IST)