ગુજરાત
News of Friday, 4th December 2020

ઉત્તરીય સ્વામિનારાયણ સેકટરમાં પ્રસાદીની મુર્તિની ચોરી-લૂંટ

અમદાવાદ કાલુપુર શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા સરધાર સ્વામિનારાયણ મંદિરના કોઠારી સામે આક્ષેપો

રાજકોટ, તા.૪ : કાલુપુર-અમદાવાદ શ્રી સ્વામિનારાયણ ટેમ્પલ ટ્રસ્ટ-શ્રી સ્વામિનારાયણ મંદિરના ચીફ એડમિનિસ્ટ્રેટર અને ઓથોરાઇઝડ પર્સનના નામથી સરધાર શ્રી સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામીને પત્ર પાઠવીને ઉત્તરીય સ્વામિનારાયણ સેકટરમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનની મુર્તિની ચોરી અને લૂંટ મુદ્દે યોગ્ય કરવા માંગણી કરી છે.

શ્રી સ્વામિનારાયણ મંદિર, કાલુપુર, અમદાવાદના લેટરપેડ ઉપર અંગ્રેજી ભાષામાં પાઠવેલા પત્રમાં અક્ષરશઃ લખ્યું છે કે, તમે, તમારા એજન્ટ, પ્રતિનિધિઓને તમારા, તમારા એજન્ટો અને પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવેલ ગુનાની આ નોટીસ દ્વારા જાણ કરવામાં આવે છે. મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયનું ભૌગોલિક હદ અનુસાર સ્વામિનારાયણ સંપ્રદાયના બંધારણ અનુસાર ઉત્તર સ્વામિનારાયણ સેકટર અને દક્ષિણ સ્વામિનારાયણ સેકટરમાં વિભાજન કરાયું હતું.

જાણવા મળ્યા અનુસાર, ગયા અઠવાડિયે લગભગ ૩૦-૧૦-ર૦ર૦ની આસપાસ તમે તમારા એજન્ટો અને મોટી સંખ્યામાં લોકોને અમદાવાદ જીલ્લાના દસક્રોઇ તાલુકાના ધુમા ગામે મોકલ્યા હતાં. તમે અને તમારા એજન્ટો જેમના નામો આગળ આપવામાં આવ્યા છે. તેમણે સ્વામિનારાયણ સંપ્રદાયની ૧૭પ વર્ષ જૂની મુર્તિઓ જેમની ત્યાં પ્રતિષ્ઠા કરાઇ હતી, જેની હેરીટેજ વેલ્યુ છે અને જેમની સાથે હજારો હરિભકતોની શ્રદ્ધા જોડાયેલી તેમને લૂંટના ઇરાદાથી તમે, તમારા એજન્ટોએ ચોરી અને લૂંટ કરી છે જેનાથી સ્થાનિક હરિભકતોની ધાર્મિક લાગણી દુભાઇ છે અને આમ તમે સ્વામિનારાયણ સંપ્રદાયના અન્ય લોકોની લગાણીઓને ઠેસ પહોંચાડી છે. તમે પ્રસાદી આઇટમો, મુર્તિઓ અને અન્ય દુર્લભ વસ્તુઓની સ્થાનિક હરિભકતોને છેતરીને ચોરી અને લૂંટ કરી છે. ત્યાં કોઇ ઉપસ્થિત નહોતું ત્યારે તમે ઉપરોકત અવિચારણીય ગુનો કર્યો છે.

કાલુપુર સ્વામિનારાયણ મંદિર દ્વારા જણાવાયું છે કે, તમે તમારા એજન્ટો પ્રતિનિધિઓ દ્વારા કોઇપણ જાતની લેખિત પરવાનગી કે પૂર્વ જાણ વગર આ કૃત્ય કર્યું છે અને અમદાવાદ કાળુપુર મંદિરની હદમાં દાખલ થઇને આ  કૃત્ય કર્યું છે, જે મુળ સ્વામિનારાયણ સંપ્રદાયના બંધારણમાં વર્જીત છે.

આ સાથે તમને નોટીસ આપવામાં આવે છે કે હવેથી તમે અથવા તમારા એજન્ટો કે પ્રતિનિધિઓ કાળુપુર મંદિર તાબાની જગ્યાઓમાં એટલે કે દેશ વિભાગમાં ઉલ્લેખીત ઉત્તર સેકટરમાં કોઇ પણ ધાર્મિક કાર્યો માટે પ્રવેશવું નહીં, તેમ છતાં આવું કરવાની જરૂર પડે તો કાળુપુર મંદિરની લેખીત પરવાનગી લેવી. તેમ છતાં જો તમે, અથવા તમારા એજન્ટો કે પ્રતિનિધિઓ ઉત્તર સેકટરમાં પ્રવેશ કરશે તો તેમની સામે આઇપીસીની નીચે લખેલ કલમો હેઠળ કામ ચલાવવામાં આવશે.

(ક) કલમ ૪૪૧-ટ્રેસ પાસીંગ (ખ) કલમ ર૯પ-એ-ધાર્મિક લાગણીઓ દુભાવવી (ગ) ૩૪૪-લૂંટ (ઘ) ૪૧૭- છેતરપીંડી (ચ) ૪૦૬-ગુનાહિત વિશ્વાસભંગ (છ) ૪૦૬- વાહકો દ્વારા ગુનાહિત વિશ્વાસભંગ (જ) ૪ર૬ મીસ્ચીફ

કાલુપુર સ્વામિનારાયણ મંદિર દ્વારા વધુમાં જણાવાયું છે કે ઉપર દર્શાવેલ કલમો ફકત દર્શનાત્મક છે, પણ જો ઉપરોકત કહેવામાં આવેલ નિયમનો ભંગ થશે તો અન્ય પ્રકારની કાનૂની કાર્યવાહી પણ થશે અને કોઇપણ પ્રકારની હિંસાત્મક કાર્યવાહીને ગંભીરતાથી લઇને લાગતી વળગતી સંસ્થા/વ્યકિત સામે કાયદેસરના પગલા લેવામાં આવશે. આ નોટીસ ફકત તમારા પૂરતી જ નહીં પણ તમે દક્ષિણ વિભાગ સાથે સંકળાયેલ હોવાથી અમે સૌને આ નોટીસ દ્વારા જાણ કરીએ છીએ કે આ પ્રકારનું કોઇપણ હીનકૃત્ય ગંભીરતાથી લેવામાં આવશે. આ પ્રકારના કૃત્યથી દક્ષિણ વિભાગની પ્રતિષ્ઠાને પણ હાની પહોંચશે. તમને આ સાથે તમારા આ પ્રકારના કૃત્યના બચાવ અને /અથવા લેખિત માફી માગવા માટે આ નોટીસ મળી ગયા પછી ૭ દિવસ આપવામાં આવે છે. નહીંતર પછી અમે તમારી, તમારા એજન્ટો અને પ્રતિનિધિઓ સામે અને તમારા ટેકેદારો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરશું તેમ અંતમાં અમદાવાદ-કાલુપુર શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા જણાવાયું છે.

સરધાર સ્વામિનારાયણ મંદિરમાં વિવાદ થતા પ્રસાદીની મૂર્તિ પરત મોકલાઇ

અમદાવાદ પાસેના નાના ગામમાં સેવા પૂજા ન થતી હોવાથી હરિભકતોએ શ્રીજી મહારાજીની મૂર્તિ સંતોને સોંપતા વિવાદ સર્જાયો

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા. ૪ : જસદણ તાલુકાના સરધાર શ્રી સ્વામિનારાયણ મંદિરમાં અમદાવાદ પંથકના નાના ગામમાંથી શ્રીજી મહારાજની પ્રસાદીની મુર્તિ લવાયા બાદ વિવાદ થતા આ મુર્તિને પરત જે તે જગ્યાએ મુકી દેવામાં આવી હતી.

આ અંગે સરધાર સ્વામિનારાયણ મંદિરના સંચાલક પતિત પાવન સ્વામીએ જણાવ્યું હતું કે, અમદાવાદ પાસેનાં એક નાના એવા ગામમાં શ્રીજી મહારાજની પ્રસાદીની મુર્તિ રાખવામાં આવી હતી પરંતુ આ ગામમાં હરિભકતોના ઘરો ઓછા હોવાથી સેવા-પૂજા ઓછી થતી હતી.

જેથી સરધાર સ્વામિનારાયણ મંદિરના સંતો એક વખત ત્યાંથી પસાર થતા નીકળ્યા હતા. ત્યારે અમદાવાદ પાસેના આ ગામના લોકોએ સંતોને અહીંથી મુર્તિ સરધાર મંદિરે લઇ જવા માટે વિનંતી કરી હતી. જેથી સંતો આ મુર્તિને સરધાર લાવ્યા હતા.

જયાં સરધાર સ્વામિનારાયણ મંદિરમાં મુર્તિ લાવવામાં આવ્યા બાદ વિવાદ સર્જાતા આ પ્રસાદીની મુર્તિ ફરીથી અમદાવાદના એ ગામમાં મુકી દેવામાં આવી હતી અને વિવાદ પુર્ણ કરી દેવામાં આવ્યો હોવાનું સરધાર સ્વામિનારાયણ મંદિરના સંચાલક પતિતપાવન સ્વામીએ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, સંપ્રદાયનાં જ અમુક વિધ્ન સંતોષીઓ દ્વારા વિરોધ વ્યકત કરવામાં આવી રહ્યો છે.

(3:31 pm IST)