અમદાવાદ-મોડાસા હાઇવે નજીક બે ડમ્પર સામસામે અથડાતા યુવા ડમ્પર ચાલકનું ઘટનાસ્થળેજ મૃત્યુ
તલોદ: જિલ્લાના આકરૂદ ખાતેથી મેટલ ભરીને એક ભારવાહક ડમ્પર ગાંધીનગર જતા આકરૃંદથી રાત્રે ૯.૪૫ કલાકના સુમારે નીકળી હતી. જે ડંમરને જગતસિંહ ધૂળસિંહ પરમાર (રહે. રાણીપુરા-બાલીષણા (હાલ, કચ્છ) નાઓ ચલાવતો હતો. ડમ્પરમાં કંડકટર તરીકે કરોલનો નિલેષસિંહ મકવાણા ફરજ બજાવતો હતો. જગતસિંહના કબજાની આ ડમ્પર રાત્રે ૧૦.૩૦ કલાકના સુમારે રોઝડ ચોકડી પસાર કરીને તાજપુર તરફ દોડી રહી હતી ત્યારે પીપળીયા ગામના સ્ટેન્ડ નજીક સામેથી સ્પીડમાં દોડી આવતી અન્ય એક ડમ્પર ટ્રક રોંગ સાઇડમાં આવતી હોવાથી જગતસિંહએ પોતાની ગાડી રોડ સાઇડમાં સલામતી માટે ઊતારી દીધી હતી. તેમ છતાં સામેથી આવતી ડમ્પરના ચાલકો ભારે બેદરકારી સાથે ડમ્પરની જોરદાર ટક્કર જગતસિંહના ડમ્પરને લગાવી હતી. જેથી જગતસિંહનું ડમ્પર મેટલ સાથે જ પલટી ખાઈને ચોકડીઓમાં જઈ ધરબાઈ પડયું હતું. જેમાં જગતસિંહને ભારે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે પ્રાણપંખેરૂ ઊડી ગયું હતું.ઘટનાની જાણ થતાં લોકોના ટોળા ઘટના સ્થળે ઊમટી પડયાં હતાં. તલોદ પોલીસને જાણ કરવામાં આવતા હરસોલ, તલોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જ્યાં ૨૭ વર્ષની વયના ડમ્પર ચાલક જગતસિંહનો મૃતદેહ પડયો હતો. અકસ્માતના આ ગુનાની તપાસ તલોદ પો.સ.ઇન્સ. એમ.એમ. પરાડીયા ચલાવી રહ્યાં છે.