ગુજરાત
News of Friday, 4th December 2020

કોરોના મહામારી સમયે સુરત બાયોવેસ્‍ટના નિકાલ માટે એક મોડેલ તરીકે સામે આવ્‍યુ

સુરત: ડાયમંડ સિટી સુરત સ્વચ્છતાના તમામ રેકોર્ડને પાછળ છોડી રહ્યું છે. દેશના બીજા સ્વચ્છ શહેર હોવાનો તાજ મેળવ્યા બાદ હવે કોરોનાની મહામારી દરમ્યાન બાયોમેડિકલ કચરાને હેન્ડલ કરવા માટે સુરત શહેર એક મોડેલ સેન્ટર તરીકે ઉભર્યું છે.

માર્ચથી જુલાઈ 2020 દરમ્યાન બાયોમેડિકલ અને પ્લાસ્ટિક કચરો પેદા કરવા તેમજ હેન્ડલ કરવા પર કોરોનાના વૈશ્વિક રોગચાળાના પ્રભાવ વિશેના ઈન્ડો-નોર્વેજીયન રિસર્ચ કરવામાં આવ્યું હતું. જેમાં જાણવા મળ્યું કે, સુરતે કોરોના કાળ દરમ્યાન બાયોવેસ્ટના નિકાલ માટે જે વ્યૂહરચના ઘડી છે અને તેનો નિકાલ કર્યો છે તે શ્રેષ્ઠ છે. જેથી સુરત આ મહામારીના સમયે બાયોવેસ્ટના નિકાલ માટે એક મોડેલ તરીકે સામે આવ્યું છે. જે તમામ સુરતીઓ માટે ગર્વ લેવા જેવી બાબત છે.

નવી દિલ્હીમાં રોયલ નોર્વેયન એમ્બેસીના સ્પોર્ટ દ્વારા આ અભ્યાસ ઇન્ડો-નોર્વેજીયન પ્રોજેક્ટ ટીમ (આઈએનઓપીઓએલ), નોર્વેજીયન ઇન્સ્ટિટ્યૂટ ફોર વોટર રિસર્ચ (એનઆઇવીએ), મુ ગામા કન્સલ્ટન્ટ્સ પ્રા.લિ. (એમજીસી) અને ટોક્સિક્સ લિંક દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યો હતો. રિપોર્ટના તારણો ઈન્ડો-નોર્વેજીયન પ્રોજેક્ટ ટીમ દ્વારા આયોજિત “ઈનફોર્મલ સેક્ટર, પ્લાસ્ટિક અને બાયોમેડિકલ કચરો-દ્રષ્ટિકોણ અને COVID19 દરમ્યાનના વલણો” વિષય પરના વેબિનાર દરમ્યાન બહાર પાડવામાં આવ્યા હતા. જેમાં નિષ્ણાંતોએ ઇકોસિસ્ટમ પર કચરા વ્યવસ્થાપનની અસર અંગે ચર્ચા કરી હતી.

સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, રોગચાળાની શરૂઆતથી જ અમે બાયોમેડિકલ કચરાને સંભાળવાની શ્રેષ્ઠ પદ્ધતિઓ લાગુ કરી છે. અમે ધાર્યું હતું કે, આ પ્રકારનો કચરો વધશે અને તે મુજબ અમે વ્યૂહરચના નક્કી કરી. જેણે અમને મોડેલ તરીકે ઉભરવામાં મદદ કરી છે. અમે સુનિશ્ચિત કર્યું હતુ કે કોવિડ-19 પરીક્ષણમાં રોકાયેલા મોબાઇલ ધન્વંતરી રથ દ્વારા ઉત્પન્ન થતો કચરો સ્થળ પરથી જ એકત્રિત કરવામાં આવે અને ત્યાંથી તેને શહેરી આરોગ્ય કેન્દ્રોમાં મોકલવામાં આવે. જ્યાંથી પ્રોસેસિંગ એજન્સીઓ તેને આગળના વૈજ્ઞાનિક નિકાલ માટે એકત્રિત કરે.

(5:38 pm IST)