ગુજરાત
News of Friday, 4th December 2020

ગ્રામજનોએ થરાદના શેરાઉ દૂધ મંડળીને તાળાંબંધી કરી

ભ્રષ્ટાચાર સામે ગ્રામજનોનો ઉગ્ર રોષ : વિફરેલા ગ્રામજનોનો રોષ જોતા પોલીસ દોડી આવી, અગાઉ એસપી સમક્ષ પણ ભ્રષ્ટાચાર બાબતે રજૂઆત

 થરાદ ,તા. : થરાદના શેરાઉની દુધમંડળીમાં થયેલા ભ્રષ્ટાચારની પોલીસ સહિત ઉચ્ચસ્તરે રજુઆત બાદ વહીવટદારની નીમણુક કરવામાં આવી હતી. તેમ છતાં પણ મંત્રી અને તેમના મળતીયાઓએ તેમની મનમાની યથાવત રાખતાં ગુરૂવારે બપોરે વિફરેલા ગ્રામજનોએ મંડળીને તેમનાં તાળાંમારી દીધાં હતાં. ત્યાર બાદ થરાદ દોડી આવી પોલીસ રક્ષણ આપવા માટે માંગણી કરી હતી. અગાઉ કમિટી સભ્યો અને સભાસદોએ ૩૭.૯૦ લાખના ભ્રષ્ટાચાર અંગે થરાદના મદદનીશ એસપીને પણ લેખિતમાં રજૂઆત કરી હતી.

થરાદના શેરાઉની દુધ ઉત્પાદક .મં. લી. માં થયેલ ભ્રષ્ટાચાર તથા ખોટું રેકર્ડ બનાવવા બાબતે થરાદ પોલીસ થી ઉચ્ચસ્તરે રજુઆતો થતાં દુધ સંઘે એક વહીવટદારની નિમણુંક કરી હતી. અને તે વહીવટદાર દ્વારા ગામના યુવક પટેલ હમીરાભાઈ કુરાભાઈની સહમંત્રી તરીકે નિમણુંક કરેલ હતી. પરંતુ મંત્રી અને તેમના મળતીયા માણસો દ્વારા હમીરભાઇને અપશબ્દો બોલી તેમનાથી ઝઘડો કર્યો હતો.

આથી ગ્રામજનોમાં ભારે રોષની લાગણી ભભુકી ઉઠી હતી. અને તમામે ભેગા મળીને બપોરના સુમારે તેમનાં ત્રણ તાળાં લાવીને મંડળીને મારી તાળાબંધી કરી દીધી હતી. અને મંત્રી બદલવાની માંગ સાથે સુત્રોચ્ચાર કર્યા હતા. ત્યારબાદ સભાસદો અને કમિટીસભ્યો થરાદ પોલીસ મથકમાં દોડી આવ્યા હતા.

જ્યાં આવીને જ્યાં સુધી મુળ મંત્રી બદલે નહીં ત્યાં સુધી મંડળીને ખોલવા દેવામાં આવે નહી તેમજ મંત્રી અને તેમના લોકો બળજબરીથી મંડળી ખોલવા માંગે છે. તો ખુલ્યા બાદ કોઈ જાનહાની કે કંઈ પણ ગંભીર ગુનો થસે તો જવાબદારી પોલીસ વિભાગની રહેશે તેમ જણાવી ઝડપી પોલીસ રક્ષણ આપવાની માંગણી કરવામાં આવી હતી.

મંડળીના મંત્રી અને ચેરમેને ગોટાળા કર્યા હોઇ તેની તપાસ બાદ નાણાં સભાસદોને આપવાની ન્યાયિક માંગ ગામના સભાસદો કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે શેરાઉ(ગોળીયા)માં ૧૦૦ જેટલાં પરિવારો વસવાટ કરે છે. જે પૈકી ૨૦ પરિવારો મંત્રી અને ચેરમેન તરફે જ્યારે બાકીના એકતરફ છે. પરિવારોએ ગત ઓગસ્ટમાં મંડળીમાં મંત્રી ચેરમેન દ્વારા ૩૭,૮૯,૦૦૦નો ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ સાથે તેમનું દુધ પણ મંડળીમાં ભરાવવાનું બંધ કરી દીધું હતું. જો કે ઉચ્ચસ્તરે રજુઆતો કરવા છતાં પણ ન્યાયની માંગણી સંતોષાતે બાદમાં દુધ ભરાવીશું તેમ રોષે ભરાયેલા ગ્રામજનોએ જણાવ્યું હતું.

(9:03 pm IST)