ગુજરાત
News of Sunday, 4th December 2022

પાટણમાં ચૂંટણી પ્રચારના છેલ્‍લા દિવસે ભાજપ અને કોંગ્રેસની પ્રચાર રેલી સામસામે આવીઃ બન્‍ને પક્ષના ઉમેદવારોએ સામસામે હાથ બતાવીને અભિવાદવન કર્યુ

લોકો વિચારે છે તેના બદલે તેનાથી વિપરીત સુખદ અનુભવ થયોઃ કોંગ્રેસના ઉમેદવારે તેની કાર ઉપર રહેલા ફુલોની વર્ષો ભાજપના ઉમેદવાર ઉપર કર્યા બાદ બન્‍ને પક્ષના ઉમેદવારોએ એકબીજાનું હાથથી અભિવાદન કર્યુ

પાટણઃ પાટણમાં ચૂંટણી પ્રચારના છેલ્‍લા દિવસે ભાજપ અને કોંગ્રેસની રેલી સામસામે આવી જતા લોકો વિચારો તેનાથી વિપરીત થયું હતું બન્‍ને પક્ષના ઉમેદવારોને સુખદ અનુભવ થયો હતો

ગુજરાતમાં બે તબક્કામાં યોજાનાર ચૂંટણીનો પ્રથમ તબક્કો પૂર્ણ થઇ ગયો છે. ગતસાંજે બીજા તબક્કાની ચૂંટણી માટે પ્રચારના પડઘમ શાંત થઇ ચુક્યા છે. તેવામાં ગતરોજ પાટણમાં ભાજપ અને કોંગ્રેસની રેલી સામસામે આવી ગઇ હતી. આ દરમિયાન આપણે જે સામાન્ય રીતે વિચારીએ તેનાથી તદ્દન વિપરીત થયું હતું. આ ઘટના નજીકથી નિહાળનારાઓમાં પણ સુખદ આશ્ચર્યનો ભાવ જોવા મળ્યો હતો.

ગુજરાતની ચૂંટણીમાં દર વખતે ભાજપ અને કોંગ્રેસની સીધી ટક્કર થતી હતી. પરંતુ આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાયો છે. સામાન્ય રીતે બે અલગ અલગ પાર્ટીના સમર્થકો સામ સામે આવી જવાની સ્થિતીમાં ઉશ્કેરણીજનક શબ્દોને પ્રયોગ કરવો, અથવા અન્ય કોઇ રીતે એકબીજાને દેખાડી દેવાના પ્રયાસો થતા હોવાનું આપણે સૌ કોઇ જાણીએ છીએ. પરંતુ ગતરોજ ભાજપ અને કોંગ્રેસની રેલી સામસામે આવી ગયા બાદ જે કંઇ થયું તેણે સૌ કોઇને વિચારતા કરી દિધા છે.

સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, બીજા તબક્કાની ચૂંટણી પ્રચારના આખરી દિવસે પાટણમાં ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીના ઉમેદવારોએ પોતાના મતવિસ્તારમાં રેલી કાઢી હતી. વિવિધ વિસ્તારોમાંથી નિકળેલી રેલી એક જગ્યાએ સામ સામે આવી ગઇ હતી. રેલી સામ સામે આવી જતા સામાન્ય રીતે જે લોકો વિચારે છે તેનાથી વિપરીત થયું હતું. કોંગ્રેસના ઉમેદવારે તેમની કાર પર રહેલા ફુલોની વર્ષા ભાજપના ઉમેદવાર પર કરી હતી. અને હાથ બતાવીને અભિવાદન પણ કર્યું હતું. તેવી જ રીતે ભાજપના ઉમેદવારે સામે હાથ બતાવીને અભિવાદન કર્યું હતું.

આ સમયે બંને તરફે રેલીમાં હાજર લોકોને સુખદ આશ્ચર્ય થયું હતું. આમ, રાજનીતી હવે બદલાઇ રહી છે અને લોકોની માનસિકતા હવે બદલાઇ છે, આ વાતનો અંદાજો લગાડવા માટે આ અનુભવ પુરતો છે.

(3:05 pm IST)