ગુજરાત
News of Sunday, 4th December 2022

કાલે ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના 93 બેઠકોનું મતદાન

મુખ્યમંત્રી, 8 મંત્રી, 60 ધારાસભ્ય સહિત કુલ 833 ઉમેદવારોનું ભાવિ થશે કેદ: બીજા તબક્કામાં ભાજપ,કોંગ્રેસ-એનસીપી અને આપના 93-93-93 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે: આ જંગમાં 69 મહિલાઓ મેદાનમાં 

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં 93 બેઠકો માટે આવતીકાલે તા.5ના સોમવારે  મતદાન થવાનું છે. જેમાં 14 જિલ્લાઓનો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં મુખ્યમંત્રી, 8 મંત્રી અને 60 સિટીંગ ધારાસભ્યો સહિત ભાજપ, કોંગ્રેસ-NCP અને આપના 279 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થશે. જ્યારે કુલ ઉમેદવાર 833 છે. જેમાંથી 69 મહિલાઓ પણ ચૂંટણી જંગમાં ઉતરી છે. બીજા તબક્કામાં ભાજપ, કોંગ્રેસ-NCP અને આપના 93-93-93 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે.

ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષો દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બંને તબક્કા માટે વડાપ્રધાનથી લઇ કેન્દ્રીય નેતાઓ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો હતો. બીજા તબક્કામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પણ ઉમેદવાર છે. હાર્દિક પટેલ વિરમગામથી અને અલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણથી લડી રહ્યા છે. એવી જ રીતે મધુ શ્રીવાસ્તવ જેવા બળવાખોર પણ મેદાનમાં છે. બીજા તબક્કામાં ઉત્તર ગુજરાત અને ત્યાંનું પેચીદું જ્ઞાતિ સમીકરણ ત્રણેય પાર્ટી માટે સમજવું મુશ્કેલ છે. કોંગ્રેસના જૂના જોગીઓ બીજા તબક્કામાં લડે છે તો આમ આદમી પાર્ટીના મોટાભાગના ચહેરા પહેલા તબક્કામાં લડી ચૂક્યા છે. બીજા તબક્કામાં તેમના કોઇ જાણીતા ચહેરા નથી.

બીજા તબક્કાની ચૂંટણી માટે અમદાવાદમાં ધામા નાખીને બેઠેલા અસુદ્દુદીન ઓવૈસીની AIMIM પાર્ટીએ 14 ઉમેદવાર સાથે ચૂંટણીમાં ઝંપલાવ્યું છે.  આ 14 બેઠકમાંથી હાલ કોંગ્રેસ પાસે 8 અને ભાજપ પાસે 6 સીટ છે. પ્રચારના છેલ્લા દિવસે તેમણે નવો રંગ બતાવ્યો. ગોધરામાં તેમનો વિરોધ થયો પછી અમદાવાદના દરિયાપુરમાં ઓવૈસી ગો બેકના નારા લાગ્યા હતા. આમ તો કાયમ આક્રમક મિજાજમાં રહેલા ઓવૈસી અમદાવાદના જમાલપુરના ઉમેદવાર માટે મત માગતી વખતે ભાવુક થઇ ગયા.

(6:14 pm IST)