ગુજરાત
News of Friday, 5th February 2021

૨૦૦૨ના ગોધરાકાંડ બાદ ગુજરાત સરકાર દ્વારા કોઈ રાહત આપવામાં આવી નથી

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીએ જણાવ્યુ કે ધાર્મિક બહુસંખ્યકવાદ માટેનુ દબાણ સમાજને, બંધુત્વને, સમાનતાની કલ્પનાને અને ન્યાયની વહેંચણીને નુકસાન પહોંચાડશે

અમદાવાદ, તા. ૫ :. નેશનલ હેરાલ્ડને આપેલ એક વિશિષ્ટ મુલાકાતમાં ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીએ જણાવ્યુ હતુ કે આપણી સંસ્થાઓમાં ફરજોની સભાનતા હોવી જ જોઈએ. સંસ્થાઓ અમુક હદ સુધી નિષ્ફળ થઈ રહી છે અને તેમા ફકત આપણી સુપ્રીમ કોર્ટ અને સંસદ જ નથી. અંસારીએ પુનરોચ્ચાર કર્યો કે ઉન્નત અસહિષ્ણુતાના ઘણા બધા દાખલા હવે જોઈ શકાય છે. હંમેશા અસંહિષ્ણુતા રહેતી હતી, પરંતુ તેમા ઘણો વધારો થયો છે કારણ કે તેને શાસનનો સાથ છે. તેનાથી તમામ લઘુમતીઓની પરિસ્થિતિ વધુ વણસી ગઈ છે.

અન્સારીએ જણાવ્યુ કે 'લઘુમતીઓ સાથે દરેક અન્ય નાગરિકની જેમ જ વર્તન થવુ જોઈએ. આપણે બંધારણની પ્રસ્તાવના વાંચવી જોઈએ. તે સમાનતા, ન્યાય અને બંધુત્વની વાત કરે છે. આ શબ્દો મોટેથી અને સ્પષ્ટ બોલે છે. ન્યાય એ ભાઈચારાની સાથે દરેક સમાજનો પાયો છે. જો તમે તમારા સાથી નાગરિક સાથે સમાન અધિકારવાળા સાથી નાગરિક તરીકે વર્તશો નહી, તો પછી તમે ન્યાય નથી કરી રહ્યા. તે કદાચ હવે મોટા પ્રમાણમાં ગુમ થયેલ જણાય છે. ૨૦૦૨ના ગોધરાકાંડ પછી રાજ્ય સરકાર દ્વારા અસરકારક રાહત આપવામાં આવી નથી. અસરગ્રસ્ત લોકોએ પોતાને ફરીથી ઉભું કરવુ પડયુ. તેના માટે ઈરાદો હોવો જોઈએ, પરંતુ કોઈ ઈરાદો ન હતો. મુસ્લિમોની ઘેરાબંધી થઈ છે. ગોધરાની વાત ૧૮ વર્ષ જૂની છે અને આખી પેઢી મોટી થઈ ગઈ છે. તેઓ અન્યાય હેઠળ ટકી રહેવાનુ શીખી ગયા છે. લઘુમતીઓ માટે પરિસ્થિતિ સર્વત્ર વિકટ બની છે.

અંસારીની દલીલ છે કે, 'બધા લવ જેહાદ, ઘર વાપસી અને ધર્માંતરણ વિરોધી કાયદા એ સમાજની વાસ્તવિક સમસ્યાઓ - વિકાસ અને ગરીબી તરફથી ધ્યાન ભટકાવવા માટે છે.' તેમણે ઉમેર્યુ કે ધર્મનિરપેક્ષતા બંધારણનો ભાગ છે. જો તેનુ પાલન કરવામાં આવતુ નથી, તો આપણે બંધારણના ભાગનુ પાલન કરી રહ્યા નથી, ભાજપ સરકાર દ્વારા ધાર્મિક બહુ સંખ્યકવાદ માટેનુ દબાણ સમાજને, બંધુત્વને, સમાનતાની કલ્પનાને અને ન્યાયની વહેંચણીને નુકસાન પહોંચાડશે. જે દરેક નાગરીકોનો અધિકાર છે. જ્યારે તેમનુ નાગરિકતા સુધારા કાયદા વિશે પૂછવામાં આવતા તેમણે કહ્યું, 'બધાને એક કરવાની વાત એ છે કે આપણે ભારતીય નાગરિક છીએ. જો નાગરિકત્વ અંગે સવાલો પૂછવામાં આવશે, તો મારો વિશેષ કરવાનો અધિકાર અને ફરજ છે.

(3:18 pm IST)