ગુજરાત
News of Wednesday, 5th May 2021

GMERS મેડિકલ કોલેજના તબીબી શિક્ષકો મેદાનમાં ઉતર્યા

૧૧મી મેથી આંદોલનની ચિમકી : રાજ્ય સરકારની નિતિ આરોગ્ય ક્ષેત્ર માટે કેન્સર સમાન સાબિત થઈ રહી છે : એસોસિએશન પ્રમુખ પ્રજાપતિ

ગાંધીનગર, તા. :  જીએમઈઆરએસ મેડિકલ કોલેજના તબીબી શિક્ષકો સરકાર સામે મેદાને ઉતર્યા છે. જીએમઈઆરએસ ફેકલ્ટી એસોસિએશનના પ્રમુખ ડોકટર હિતેશ પ્રજાપતિએ અંગે જણાવ્યું હતું કે, સરકારની નિતિ આરોગ્ય ક્ષેત્ર માટે કેન્સર સમાન સાબિત થઈ રહી છે. સરકારી મેડિકલ કોલેજનાના શિક્ષકોના તમામ લાભ અમને મળવા જોઇએ. પ્રમોશન, પીએફ, સાતમા પગાર પંચનો લાભ, હક રજા પગાર લાભ, મેડિકલ બોન્ડમાંથી મુક્તી આપવા સહિતની માંગ કરી છે. સરકાર માગણી નહીં સ્વીકાર કરે તો ૧૧ મેથી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

ઉલ્લેખનીય છે કે, કોરોના કાળમાં સરકારની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે. સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા સિનિયર તબીબોએ સરકાર સામે બાયો ચડાવી છે. ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશનના ગુજરાતમાંથી ૧૭૦૦ તબીબો દ્વારા આજે બેઠક યોજાઈ હતી. બેઠકમાં એડિશનલ સુપરિટેનડેન્ટ કક્ષાના, વિભાગીય વડા અને અનેક સિનિયર તબીબો બેઠકમાં હાજર રહ્યા હતા.

બેઠકમાં તબીબો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, વર્ષ ૨૦૦૮ થી બાકી રહેલી બઢતી અંગે સરકાર ત્વરિત નિર્ણય લે તેવી તબીબોએ માંગ કરી છે. સાતમા પગારપંચના લાભથી પણ સરકારી તબીબો વંચિત રખાયા હતા. અલગ અલગ ૧૫ માંગણીઓ મામલે સરકારને મેમોરેન્ડમ આપ્યા છતાં અસરકારક પગલાં લેવાતા નથી.

જો કે, જુનિયર તબીબો હડતાળ પાડીને માંગણીઓ સંતોષી રહ્યા છે તેવા સંજોગોમાં અમે આજની બેઠકમાં હળતાલનું આયોજન કરીશું. અમારા મુદ્દાઓનો ઉકેલ આવે તેવી અમને આશા છે. સરકાર દ્વારા માંગણીઓ સ્વીકારવામાં આવી તો સ્થિતિ બગડી શકે છે.

(9:51 pm IST)