ગુજરાત
News of Wednesday, 5th May 2021

ઓ બાપ રે... વેકસીનનો પ્રથમ અને બીજો ડોઝ લીધા પછી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ૧૦૦ દર્દીઓએ દમ તોડયો

અમદાવાદ તા. ૫ : કોરોના વિરોધી રસીનો પહેલો કે બીજો ડોઝ લીધા પછી એકલા અમદાવાદની સિવિલની કોવિડ હોસ્પિટલોમાં જ અત્યાર સુધીમાં ૧૦૦ જેટલા દર્દીઓનાં મોત થયાં છે, આ દર્દીઓમાં કોરોનાના શંકાસ્પદ અને કોરોના પોઝિટિવ સામેલ હોવાનું ટોચના અધિકારી સૂત્રો જણાવી રહ્યા છે.

બીજી તરફ છેલ્લા એક સપ્તાહમાં સુરતના બે ડોકટર અને અમદાવાદના એક એમ કુલ ત્રણ ડોકટર કે જેમણે રસીના બે ડોઝ લીધા હતા, રસી લીધાના એક-બે મહિના પછી કોરોનાના કારણે તેમના મોત થયા હોવાનું ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનની ગુજરાત બ્રાંચના પૂર્વ પ્રમુખ ડો. ચંદ્રેશ જરદોશે જણાવ્યું છે. પહેલો ડોઝ લીધા પછી કોઈ સામાન્ય દર્દીનું મોત થયું હોય તો માની શકાય કે ઈમ્યુનિટી ડેવલપ થઈ ન હોય, આ ઉપરાંત બે ડોઝ વાળા સામાન્ય દર્દીને ચોક્કસ સમય થયો ન હોય, ઉંમર હોય, બીજી બીમારીઓ હોય, અલબત્ત, આ બધી બાબતો એક સંશોધનનો વિષય છે તેમ સંદેશનો અહેવાલ જણાવે છે.

અમદાવાદની સિવિલ હોસ્પિટલની કોવિડ હોસ્પિટલોમાં જ તાજેતરમાં જ કોરોના રસીના પહેલાં કે બીજો ડોઝ લીધો હોય તેવા ૧૦૦ જેટલા દર્દીનાં મોત થયા છે, રસી લીધા પછી મોત થયાના કારણ અંગે પૂછતાં ડોકટર જરદોશે જણાવ્યું હતું કે, પહેલાં ડોઝ પછી મોત થયું હોય તો માની શકાય કે, ઈમ્યુનિટી ડેવલપ નથી થઈ, બીજા ડોઝમાં ઈમ્યુનિટી ડેવલપ થવાનો સમય પૂરો ન થયો હોય, એવું પણ બની શકે કે, મ્યુટન્ટ વાયરસ કદાચ વધારે ઘાતકી હોય, જે તે દર્દીને અન્ય બીમારી હોય, ઉંમર હોય તે બધી બાબતો સંશોધનનો વિષય છે.

બે રસી લીધાના એક બે મહિના પછી ત્રણ ડોકટરના કોવિડથી મોત થયા છે, આ બધી બાબતો પર આગામી દિવસોમાં સર્વે કરાશે, આ બાબતો સંશોધનનો વિષય છે. જે તે દર્દીએ બે ડોઝ લીધા પછી એન્ટિબોડી ચેક કરાવી હતી કે કેમ? બીમાર પડયા પછી કેટલા સમયગાળામાં દાખલ થયા તે સહિતની બાબતો પણ ચકાસવી પડે.

(11:21 am IST)