કોવિડ આઇસોલેશન સેન્ટર ઉપર તૈનાત એસ.આર.પી જવાન ફરજ છોડી ભાગી જતા જવાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગરૂડેશ્વર તાલુકા ના ગોરા એકલવ્ય સ્કૂલ કોવિડ આઇસોલેશન કેર ખાતે થી ચાલુ ફરજે એસ.આર.પી જવાન નાસી જતા કેવડિયા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
કેવડીયા પોલીસ મથકે દાખલ થયેલી ફરિયાદ મુજબ ગત તારીખ 26/04/2021 ના રોજ ગરુડેશ્વર તાલુકા ના ગોરા એકલવ્ય સ્કૂલ ખાતે ના કોવિડ 19 આઇસોલેશન કેર સેન્ટર ઉપર તહેનાત એસ.આર.પી પોલીસ જવાન તુષારભાઈ છગનભાઇ તડવી બ.ન 134 કેવડીયા એસ.આર.પી ગ્રુપ 18 પોતાની ફરજ મૂકી ને કાયદેસર ની જવાબદારી અને ફરજમા ચૂક કરીને કોઈને પણ કહ્યા વગર પોતાના પરીવાર સાથે ભાગી ગયા હતા. તેઓ તરફથી અન્યોને કોરોના બીમારી નો ચેપ લાગવા ની શકયતા હોવા છતાં નર્મદા જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા નો ભંગ કરી ગુનો કરતાં તેઓ સામે કેવડીયા પોલીસ મથકે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.
આમ હાલ ચાલી રહેલી કોરોના મહામારી ને કારણે કેટલીક સામાજિક અને માનસિક સમસ્યાઓ ઉદભવી રહી હોવાથી પોતાની ફરજ અને સતત બંદોબસ્ત તેમજ પરિવાર ની સલામતી ની ચિંતા ને કારણે પોલીસ જવાનો પણ તાણ અનુભવતા હોય તેવું બની શકે એવું આ બનાવ ઉપર થી જણાઈ આવ્યુ છે.