ગુજરાત
News of Tuesday, 5th July 2022

‘ડિજિટલ ઇન્ડિયા વીક-૨૦૨૨’નું એક્ઝિબિશન તા.૧૧ જુલાઇ સુધી લંબાવવાનો મહત્વપુર્ણ નિર્ણય : મંત્રી જીતુભાઇ વાઘાણી

યુવાનોના સ્ટર્ટઅપ, ઇનોવેશન અને આઇડિયા નિહાળવા એક્ઝિબિશનની મુલાકાત લેવા મંત્રીશ્રીનો વિદ્યાર્થીઓ-યુવાઓને અનુરોધ

રાજકોટ તા.૫

રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં આજે યોજાયેલી કેબિનેટની બેઠકમાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ‘ડિજિટલ ઇન્ડિયા વીક-૨૦૨૨’ નો ગુજરાત ખાતેથી શુભારંભ કરવા બદલ વડાપ્રધાનશ્રીનો વિશેષ આભાર માન્યો હતો. જે અંતર્ગત મહાત્મા મંદિર ખાતે યુવાનોના સ્ટર્ટઅપ, ઇનોવેશન અને આઇડિયાથી ભરપુર ટેકનોલૉજીસભર આધુનિક એક્ઝિબિશન ખુલ્લુ મુકવામાં આવ્યુ છે. વડાપ્રધાનશ્રીએ પણ આ એક્ઝિબિશન સૌ નાગરિકોએ નિહાળવા અપીલ કરી છે ત્યારે આ એક્ઝિબિશન નાગરિકો માટે વધુ પાંચ દિવસ સુધી લંબાવવાનો નિર્ણય સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. તા.૪ થી ૬ જુલાઇ સુધી ખુલ્લુ રહેનાર એક્ઝિબિશન હવે તા.૧૧ જુલાઇ સુધી લંબાવવાનો મહત્વપુર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

 

મંત્રી જીતુભાઇ વાઘાણીએ ઉમેર્યુ કે, મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે ડિજિટલ ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓના વિવિધ પ્રદર્શનો યોજાઈ રહ્યાં છે. જેમાં સ્ટાર્ટઅપ, સરકાર, ઉદ્યોગ અને શૈક્ષણિક સંસ્થાઓની જનભાગીદારી થકી ૨૦૦થી વધુ સ્ટોલ તૈયાર કરવામા આવ્યા છે. આ પ્રદર્શન મેળામાં રોજિંદી જીવનશૈલીને સરળ બનાવતા વિવિધ ડિજિટલ સોલ્યુશન્સ જેવા કે આધાર, યુપીઆઈ, કૉ-વિન, ડિજિલૉકર જેવા જાહેર ડિજિટલ પ્લેટફોર્મ મારફત નાગરિકોને સેવાઓ કેવી રીતે સરળતાથી મળી રહે છે તે અંગેની માહિતી આપવામાં આવી રહી છે. તે ઉપરાંત યુવાનોના સ્ટર્ટઅપ, ઇનોવેશન અને આઇડિયા પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ એક્ઝિબિશનની મુલાકાત લેવા મંત્રીશ્રી વાઘાણીએ વિદ્યાર્થીઓ-યુવાઓને અનુરોધ કર્યો છે.

 

(4:52 pm IST)