ગુજરાત
News of Tuesday, 5th July 2022

દહેગામ તાલુકાના બારડોલીમાં પાણીના બોરવેલમાં અચાનક જ્વાળાઓ ફાટી નીકળતા અફડાતફડી મચી જવા પામી

દહેગામ :  દહેગામ તાલુકાના બારડોલી બારીયા તાંબેની નાની બારડોલી ગામે ખેત ઉપયોગ માટે તાજેતરમાં બનાવવામાં આવેલા પાણીના બોરવેલમાં એકાએક આગની જ્વાળાઓ નીકળતા અફરાતફરી મચી જવા પામી હતી. ઘટના અંગે દહેગામ ફાયર બ્રિગેડ તેમજ મામલતદાર કચેરી ની જાણ કરવામાં આવી હતી. દહેગામ મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળ ઉપર આવી પંચનામુ કરી અને ઓએનજીસીને આ બાબતે જાણ કરી હતી. દહેગામની ફાયર બ્રિગેડ ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી બોરવેલમાં લાગેલી આગને કાબુમાં લીધી હતી.

 ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બારડોલી બારીયા તાંબેની નાની બારડોલી ગામે ખેડૂત ખાતેદાર માલાજી ગાભાજી ચૌહાણ એ ખેતીવાડીના પિયત ઉપયોગી પાણી માટે બે દિવસ અગાઉ બોરવેલ બનાવ્યો હતો. જેમાં આજરોજ બપોરે ૧.૩૦ કલાકે નવીન બનાવેલા બોરવેલમાં એકાએક આગની જ્વાળાઓ નીકળવા લાગતાં દોડધામ મચી જવા પામી હતી. ઘટના અંગેની જાણ દહેગામ મામલતદાર કચેરીની કરવામાં આવતા મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે આવી પંચનામું કર્યું હતું. બાદમાં મામલતદાર દ્વારા ઓએનજીસી વિભાગની જાણ કરવામાં આવી હતી. બોરવેલ માં આગ લાગ લાગતાં ઘટનાની જાણ દહેગામ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. જેમાં સૂર્યોદયસિંહ ની આગેવાની હેઠળની ફાયર બ્રિગેડની ટીમે તાબડતોડ ઘટના સ્થળે પહોંચીને કેમિકલ દ્વારા આગ પર કાબૂ મેળવી લીધો હતો.

(6:55 pm IST)