ગુજરાત
News of Tuesday, 5th July 2022

ખેડા-ધોળકા રોડ નજીક પુરપાટ ઝડપે જતી કારે બાઇકને હડફેટે લેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નડિયાદ : ખેડા ધોળકા રોડ પર રઢુ ખોડીયાર માતાના મંદિર સામે એક કાર ચાલકે પોતાની કાર પુરઝડપે હંકારી એક બાઇકને પાછળથી ટક્કર મારતા બાઈક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા બાઈક ચાલકનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત બાદ કાર ચાલક પોતાની કાર મૂકી નાસી ગયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે સુરત કતારગામ ખાતે કલાભાઈ ભીખાભાઈ બેલદાર રહે છે. તેઓના મોટાભાઈ ભનુભાઈ ઉર્ફે મનુભાઈ રઢુ ખોડીયાર માતાના મંદિર સામેથી ખેડા ધોળકા રોડ પર પોતાની બાઈક લઈ જતા હતા. દરમિયાન એક કાર ચાલકે પોતાની કાર પુરઝડપે હંકારી બાઇકને ટક્કર મારતા મનુભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા મનુભાઈને ખેડા સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે કે ખેડા શહેર પોલીસે કાર ચાલક વિરુદ્ધ તપાસ હાથ ધરી છે.

(6:58 pm IST)