ગુજરાત
News of Wednesday, 4th August 2021

અમદાવાદ : મોટેરા વિસ્તારમાં કાર, રિક્ષા અને બાઇક વચ્ચે ટ્રિપલ અકસ્માત: રિક્ષા ચાલકનું ઘટનાસ્થળે મોત

બેફામ સ્પીડમાં આવેલી કારે રિક્ષા અને બાઇક ચાલકને ટક્કર માર્યા બાદ કાર પણ પલટી ગઈ : ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષાનું પડીકું વળી ગયું

અમદાવાદ: રાત્રે એક ટ્રીપલ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ નિધન થયું છે. આ બનાવમાં કારે એક થાંભલાને પણ ટક્કર મારી હતી. જે બાદમાં કાર પલટી ખાઈને 20 ફૂટ દૂર પડી હતી. મંગળવારે રાત્રે 9થી 10 વાગ્યાની આસપાસ આ બનાવ  બન્યો હતો. કાર ફંગોળાઈને એક નર્સરીમાં પડી હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, બનાવ વખતે ત્યાં રહેતા લોકો હાજર ન હોવાથી મોટી જાનહાની ટળી ગઈ હતી. અકસ્માતમાં રિક્ષા પડીકું વળી ગયું છે. અકસ્માતમાં રિક્ષા ચાલકે જીવ ગુમાવ્યો છે. આ કેસમાં પોલીસે બાઇક ચાલકની ફરિયાદ લઈને ગુનો દાખલ કર્યો છે.

   મળતી માહિતી પ્રમાણે શહેરના મોટેરા વિસ્તારમાં મંગળવારે રાત્રે કાર, રિક્ષા અને બાઇક વચ્ચે ટ્રિપલ અકસ્માત થયો હતો. એવું કહેવામાં આવે છે કે બેફામ આવી રહેલી એક કારે રિક્ષા અને બાઇક ચાલકને ટક્કર મારી હતી. અકસ્માતમાં રિક્ષા ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બે વાહનને ટક્કર માર્યા બાદ કાર પણ પલટી ગઈ હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષાનું પડીકું વળી ગયું હતું. આ બનાવમાં બાઇક ચાલક ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડાયો હતો. આ મામલે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને તપાસ આદરી છે.

અકસ્માતમાં ઘાયલ થનાર બાઇક ચાલકનું નામ યશ હોવાનું જાણવા મળ્યું છે. યશ રાત્રે બાઇક લઈને મોટેરા ખાતે પોતાના ઘરે પરત ફર રહ્યો હતો. આ દરમિયાન યશની આગળ ચાલી રહેલી રિક્ષાને એક કાર ચાલકે જોરદાર ટક્કર મારી હતી. ટક્કર બાદ રિક્ષા પલટી ગઈ હતી અને તેની બાઇકને પણ ટક્કર વાગી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે યશ બાઇક પરથી ઊછળીને નીચે પડ્યો હતો. જે બાદમાં આસપાસના લોકોએ યશને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડ્યો હતો.

  મળતી માહિતી પ્રમાણે આ અકસ્માતમાં દિનેશભાઈ પરમાર નામના રિક્ષા ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું છે. આ અકસ્માતમાં પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. મળતી માહિતી પ્રમાણે કાર ચાલક પણ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયો છે. તેને પણ સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા છે. આ ઉપરાંત રિક્ષા ચાલકનો પરિવાર પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

લોકોના કહેવા પ્રમાણે કાર ચાલક દારૂના નશામાં હતો. આ મામલે પોલીસે જણાવ્યું હતું કે, "ગાડીની તલાશી લેતા તેમાંથી કોઈ કેફી પદાર્થ મળી આવ્યો નથી. જોકે, ડ્રાઇવરના લોહીનું સેમ્પલ લેવામાં આવ્યું છે. રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. હાલ આ મામલે આઈપીસીની કલમ 279, 337, 338 અને 304-અ પ્રમાણે ફરિયાદ નોંધવામાં આવી છે. કાર ચાલકને સામાન્ય ઈજા થઈ છે. આરોપીનું નામ પંકજ અરુણ કુમાર અગ્રવાલ છે."

 

(1:32 pm IST)