ગુજરાત
News of Thursday, 5th August 2021

સુરતમાં રેમડીસીવીરની અછત કેમ સર્જાઈ : RTIના જવાબમાં મોટો ઘટસ્ફોટ

સહકારી આગેવાન દર્શક નાયક દ્વારા RTI કરતા જવાબમાં ચોંકાવનારો ખુલાસો

સુરત : જીવલેણ કોરોના વાઈરસની બીજી લહેર દરમિયાન સંક્રમિત દર્દીઓની સારવાર માટે સંજીવની સમાન રેમડેસિવિર ઈન્જેક્શનની અછત વર્તાઈ હોવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા. સુરતમાં પણ બીજી લહેર દરમિયાન રેમડેસિવિર ઈન્જેક્શનો ખૂટી પડ્યા હતા. હવે આ મામલે કરવામાં આવેલી RTIના જવાબમાં મોટો ખુલાસો થયો છે.

રેમડેસિવિર ઈન્જેક્શનની અછતની ખરી હકીકત જાણવા માટે સહકારી આગેવાન દર્શક નાયક દ્વારા RTI કરવામાં આવી હતી. જેમાં વહીવટીતંત્ર દ્વારા જ હોસ્પિટલોની માંગ કરતાં ઓછા ઈન્જેક્શનો આપ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે  21 એપ્રિલથી 13મીં મે દરમિયાન સુરતમાં કોરોના વાઈરસનું સંક્રમણ ખૂબ જ વધારે હતું. આ 22 દિવસમાં કુલ જરૂરિયાત કરતા ઓછા રેમડેસિવિર ઈન્જેક્શન ફાળવવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે.

સુરતમાં કોરોનાની બીજી લહેરના 22 દિવસ દરમિયાન શહેરની વિવિધ હોસ્પિટલો દ્વારા 83 હજારથી વધુ રેમડેસિવિર ઈન્જેક્શનો માંગવામાં આવ્યા હતા. જેની સામે વહીવટી તંત્ર દ્વારા તેમને માત્ર 50 હજાર જેટલા જ ઈન્જેક્શનો ફાળવાયા હતા. આમ જરૂરિયાત કરતાં 32,884 ઈન્જેક્શન ઓછા ફાળવવાના કારણે અછત રેમડેસિવિરની અછત સર્જાઈ હતી.

(12:52 pm IST)