ગુજરાત
News of Saturday, 5th September 2020

ડાયમંડનગરી હવે પ્લાઝ્મા દાનની ભૂમિ તરીકે ઉભર્યું :સુરતની સ્મીમેર હોસ્પિટલ 501 પ્લાઝમા દાન સાથે રાજ્યભરમાં અવ્વલ

પ્લાઝમા દાતાઓના સહયોગ અને પ્લાઝમા બેંકના તબીબી સ્ટાફના પરિશ્રમથી સીમાચિહ્ન સર કર્યું

સુરતઃ કોરોનાની મહામારીની હાલમાં કોઈ દવા નથી ત્યારે આર્યુવેદિક અને હોમિયોપેથી તથા અન્ય દવાઓની મદદથી કોરોના ગ્રસ્ત દર્દીઓને સાજા કરવામાં આવી રહ્યા છે. હાલમાં પ્લાઝમા થેરાપીની  મદદથી પણ કોરોનાના દર્દીઓ સ્વસ્થ થઈ પોતાના ઘરે જઈ રહ્યા છે. ત્યારે સુરતના લોકો રાજ્યના સૌથી વધુ પ્લાઝમા ડોનેટ કરી રહ્યા છે

દાનવીર કર્ણની ભૂમિ સુરત હવે કોવિડ-19ની વૈશ્વિક મહામારી વચ્ચે પ્લાઝમા દાનની ભૂમિ રૂપે પણ ઉભર્યું છે. આપત્તિના સમયે સુરતવાસીઓ યોગદાન હંમેશા અનેરૂ રહ્યું છે, ત્યારે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ખાતે 5 જુલાઈથી શરૂ થયેલી પ્લાઝમા બેન્કમાં બે મહિનાથી પણ ઓછા સમયમાં 501 પ્લાઝમા ડોનેટ કરાવી  પ્લાઝમા દાન રાજ્યભરમાં મોખરે રહી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. .

સ્મીમેર હોસ્પિટલના કોવિડ-19 નોડલ ઓફિસર અને નાયબ વન સંરક્ષકશ્રી પુનિત નૈયરે જણાવ્યું હતું કે, સ્મીમેર હોસ્પિટલ કોવિડ-19ની મહામારીમાં ચોવીસ કલાક કામ કરી રહી છે. સુરતની સ્મીમેર હોસ્પિટલને પ્લાઝમા બેન્કની મંજૂરી મળી ત્યારથી કોરોનામુક્ત દર્દીઓને પ્લાઝમા દાન માટે પ્રેરિત કરવાનું ભગીરથ કાર્ય શરૂ કર્યું હતું. જેના પરિણામે 501 પ્લાઝમા દાનનું સીમાચિહ્ન સર કર્યું છે. બ્લડબેન્કના સ્ટાફ અને ડોક્ટરોની ટીમની મહેનત અને પ્લાઝમા ડોનરો(Doner)ના નિ:સ્વાર્થ સેવાકીય અભિગમ સરાહનીય રહયો છે. હાલ સુરતમાં પ્લાઝમાની જરૂરિયાત ઓછી થઈ  છે. જેથી અન્ય જિલ્લામાં પ્લાઝમાની જરૂર જણાશે તો મંજૂરી મેળવી જરૂરિયાત ધરાવતાં દર્દીઓને પ્લાઝમા આપવામાં આવશે.

સ્મીમેર બ્લડ બેંકના હેડ ડો.અંકિતા શાહે જણાવ્યું હતું કે, ‘કોરોનાની વૈશ્વિક મહામારીમાં પ્લાઝમા થેરાપીથી કોરોના દર્દીઓને ઘણી રાહત થઈ છે. અમારી બ્લડ બેન્કની ટીમ દ્વારા 5 જુલાઈથી પ્લાઝમા બેન્કની શરૂઆતથી આજ સુધી છેલ્લાં બે મહિનામાં 501 ડોનરો પાસેથી 973 યુનિટ પ્લાઝમા કલેકટ કરવામાં આવ્યું જેમાથી કુલ 672 યુનિટ પ્લાઝમાં ઇસ્યુ કરવામાં આવ્યા હતા. જેમાં ૫૭૫ સ્મીમેર હોસ્પિટલમાં અને 280 યુનિટ અન્ય હોસ્પિટલને આપવામાં આવ્યા છે.

(10:00 pm IST)