ગુજરાત
News of Saturday, 5th September 2020

અમદાવાદમાં બાંધકામ સાઇટોમાંથી કોરોનાના વધુ 56 પોઝીટીવ કેસ નોંધાયા

શહેરની વિવિધ બાંધકામ સાઇટો પર કામદારો તથા મજુરોના કોરોના ટેસ્ટીંગની કામગીરી કરાઇ: 49 સાઇટો પર નોટિસો ફટકારાઈ

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને ચાલુ બાંધકામ સાઇટો પર કામદારો તથા મજુરોના ટેસ્ટિંગ કરતા 56 વધુ કેસો કોરોના પોઝેટિવ કેસ નોંધાયા છે AMCના હેલ્થ વિભાગ, એસ્ટેટ અને નગર વિકાસ ખાતા દ્વારા શહેરના ચાલુ બાંધકામ સાઇટો પર કામદારો તથા મજુરોના કોરોના ટેસ્ટીંગની કામગીરી કરાઇ રહી છે. આ કામગીરી દરમિયાન 830 ટેસ્ટીંગ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 49 સાઇટો પર નોટિસો ફટકારવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં નોવેલ કોરોના વાઇરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન બહુઆયામી વિવિધ પગલાંઓ લઇ રહ્યું છે. જેના ભાગરુપે અમદાવાદ શહેરના ઓનગોઇંગ કન્સ્ટ્રકશન સાઇટો પર કામ કરતા 480 મજુરો તથા સ્ટાફની ટેસ્ટિંગની સઘન ઝુંબેશના ભાગરૂપે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ચાર કેસો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1320પોઝિટિવ રિપોર્ટ ઉમેરતા કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 1,01,695એ પહોંચી ગઇ છે. જ્યારે  વધુ 14 દર્દીઓના મોત સાથે  રાજ્યમાં કોરોનાનો કૂલ મૃત્યુઆંક વધીને 3078 થયો છે. જ્યારે 1218 લોકોએ કોરોનાને મહાત આપી હતી.

યારે શહેરના પશ્ચિમ ઝોનના સાબરમતી વોર્ડમાં આવેલી બુલેટ ટ્રેનની કન્સ્ટ્રકશન સાઇટ ખાતે ઝારખંડ, બિહાર, ઉત્તરપ્રદેશથી આવેલા પરપ્રાંતિય 350 કામદારો મજુરોના કોરોના ટેસ્ટિંગની કામગીરી કરાઇ હતી. જેમાં 52 કેસો પોઝેટિવ મળી આવ્યા હતા. આમ કોર્પોરેશને ખાસ હાથ ધરેલી ઝુંબેશમાં આજે દિવસ દરમિયાન 56 કોરોના પોઝીટીવ કેસો મળી આવ્યા હતા.

કોરોના પોઝિટિવ આવેલા તમામ લોકોને મેડિકલ ટીમે તાત્કાલિક અસરથી તેઓને કોવિડ કેર સેન્ટર/ કોવિડ હોસ્પિટલ વગેરે મુજબ આનુષાંગિક સારવારની કાર્યવાહી કરવામાં આવી છે. આ કામગીરી હજુ પણ યથાવત રહેશે તેવી કોર્પોરેશને જાહેરાત કરી છે.

ઉત્તર પશ્ચિમ ઝોન 9, દક્ષિણ પશ્ચિમ ઝોન 8, પૂર્વ ઝોન 2, ઉત્તર ઝોન 4, દક્ષિણ ઝોન 14, મધ્ય ઝોન 12 મળી કુલ 49 સાઇટો પર નોટીસો આપવામાં આવી છે. અને કુલ 480 કામદારોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા. જે પૈકી પૂર્વ ઝોનમાં 4 કેસો પોઝિટિવ મળી આવ્યા છે.

(10:17 pm IST)