ગુજરાત
News of Saturday, 5th September 2020

મા યોજનાને આઠ વર્ષ પૂર્ણ: ૭૮ લાખ કુટુંબોની નોંધણી, રાજ્યમાં 30,88 લાખ લાભાર્થી દાવાઓ માટે કુલ ૪૨૪૩ કરોડ મંજૂર કરાયા

મુખ્યમંત્રી રૂપાણીના નેતૃત્વમાં કરોડો ગરીબ અને મધ્યમ વર્ગ પરિવારને અપાઈ રહી છે કેશલેસ સારવાર

અમદાવાદ : રૂપાણી સરકારના રાજમાં ગુજરાતમાં ખાનગી તેમજ સરકારી સંલગ્ન હોસ્પિટલમાંથી શ્રેષ્ઠ સારવાર તદ્દન મફતમાં મળે છેમુખ્યમંત્રી રૂપાણીએ સારવાર સહાયની રકમ બે વખત વધારી, વરિષ્ઠ નાગરિકો માટે 6 લાખ સુધી પહોંચાડી, અનેક નવી કેટેગરી ઉમેરી છે ૧૭૦૦થી વધુ નિયત કરેલ પ્રોસિજરો માટે સારવાર મળવાપાત્ર: મા યોજનાને મળ્યા છે અનેક એવોર્ડ્સ મળ્યા છે

  ભૂતકાળમાં ગુજરાતમાં મેડિકલ અને સારવારને લગતા ખર્ચ વધી રહ્યા હતા. સામાન્ય માણસની કમર તૂટી જાય એટલા ખર્ચ પ્રાઈવેટ હોસ્પિટલમાં થતા હતા. એવા સમયે રાજ્ય સરકારની મુખ્યમંત્રી અમૃતમ મા અને મા વાત્સલ્ય જેવી યોજનાઓ ઘણાં દર્દીઓ માટે તારણહાર બની. આ યોજનાને આજે 8 વર્ષ પૂર્ણ થયા છે. તારીખ 4 સપ્ટેમ્બર, 2012ના દિવસે આ યોજના લૉન્ચ થઈ હતી. ભાજપ સરકારની મુખ્યમંત્રી મા અમૃતમ અને મા વાત્સલ્ય યોજના અંતર્ગત કરોડો ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને સારવાર આપવામાં આવી રહી છે. આ યોજના અંતર્ગત કુટુંબદીઠ વાર્ષિક મહત્તમ રૂપિયા ૫ લાખ સુધીની કેશલેસ સારવાર મળી શકે છે.

 સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં પછીથી વાર્ષિક રૂ. 6 લાખ કે તેથી ઓછી આવક ધરાવતા કુટુંબોના સિનિયર સીટીઝનોનો સમાવેશ આ યોજનામાં કરવામાં આવેલ છે. ત્યારબાદ મા વાત્સલ્ય યોજના અંતર્ગત વર્ષ ૨૦૧૯-૨૦માં વૃધ્ધાશ્રમના વૃધ્ધો, અનાથ આશ્રમના બાળકો, વિધવાશ્રમના વિધવાબહેનો અને ત્યકતાઓ, સાત્વિક જીવન જીવતા સાધુ-સંતો તેમજ માનસિક રોગીઓ અને અન્ય કેટગરીમાં રૂપાણી સરકારના જુદા જુદા જાહેર સાહસોના બિનસરકારી અધ્યક્ષ તથા બિનસરકારી ઉપાધ્યક્ષનો સમાવેશ આ યોજનામાં કરવામાં આવેલ છે. CM રૂપાણીએ અંગત રસ લઈને આ યોજનામાં સહાયની રકમ બે વખત (ત્રણ અને ચાર લાખ) વધારી છે અને સિનિયર સિટિઝન્સ માટે તો 6 લાખ સુધી કરી છે. ઉપરાંત તેમણે સારવાર સહાય માટે અનેક નવી કેટેગરી ઉમેરી પણ છે.

  આ યોજના હેઠળ કુટુંબ દીઠ વાર્ષિક રૂ. ૫ લાખ સુધીનું આરોગ્ય કવચ પૂરું પાડવામાં આવે છે. લાયકાત ધરાવતા નિયત લાભાર્થીઓને પ્રાથમિક, સેકન્ડરી અને ટર્શરી બિમારીઓ માટેની કુલ ૧૭૬૩ જેટલી નિયત કરેલ પ્રોસિજરો માટે સારવાર મળવાપાત્ર છે. ગુજરાત રાજ્યમાં ઉક્ત યોજના હેઠળ તા. 4/9/2012થી 4/9/2020 સુધીમાં ૭૮.૦૮ લાખ કુટુંબોની નોંધણી પૂર્ણ થઈ ગઈ છે. રાજ્યમાં કુલ ૩૦.૮૮ લાખ લાભાર્થી દાવાઓ માટે કુલ રૂ. ૪૨૪૩ કરોડ મંજૂર કરવામાં આવેલ છે. રાજ્યમાં આ યોજના સાથે કુલ ૨૫૨૨ હોસ્પિટલો સંકળાયેલ છે. જેમાં ૭૧૬ ખાનગી હોસ્‍પિટલો અને ૧૮૦૬ સરકારી/ગ્રાન્‍ટ ઈન એઇડ હોસ્‍પિટલોનો સમાવેશ છે. મુખ્યમંત્રી અમૃતમ યોજનાને સ્માર્ટ ગવર્નન્સ માટે પ્રતિષ્ઠિત પ્લેટિનમ સ્કોચ એવોર્ડ, પ્રતિષ્ઠિત સીએસઆઇ - ની હીલન્ટ ઈ—પ્રશાસન પુરસ્કાર, બેસ્ટ એફોર્ડેબલ હેલ્થકેર ઇનીશીયેટીવ પુરસ્કાર, જેમ્સ ઓફ ડિઝીટલ ઇન્ડિયા એવોર્ડ, બેસ્ટ એક્સેસીબલ હેલ્થકેર ઇનીશીયેટીવ પુરસ્કાર, સ્કોચ ઓર્ડર ઓફ મેરીટ એવોર્ડ, રીમોટ હેલ્થકેર સર્વિસ એવોર્ડ વગેરે સન્માન પ્રાપ્ત થયેલ છે.

(8:15 pm IST)