ગુજરાત
News of Saturday, 5th September 2020

ભારે ઉત્તેજના વચ્ચે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની ચૂંટણીમાં ૧૪૪૪ મત પડ્યા

પ્રગતિ-આત્મનિર્ભર પેનલ વચ્ચે સીધો મુકાબલો : આજે મતગણતરી બાદ એન્યુઅલ જનરલ મિટિંગ યોજાશે

અમદાવાદ : ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની ચૂંટણી અત્યંત શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. શનિવારે યોજાયેલી ચૂંટણીમાં પ્રગતિ અને છેલ્લી ઘડીએ ઊભી કરાયેલી આત્મનિર્ભર પેનલનો સીધો સામનો હતો. આજે થયેલા મતદાનમાં ૧૪૪૪ મત પડ્યા હતા અને રવિવારે મતોની ગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવી શકે છે. ઉપરાંત મતગણતરી બાદ એન્યુઅલ જનરલ મિટિંગનું પણ આયોજન કરીને પછીના નિતિવિષયક નિર્ણયો લેવામાં આવશે.

              અમદાવાદ સહિત ગુજરાતભરના વેપારીઓ અને ઉદ્યોગોનું પ્રતિનિધિત્વ કરતી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના હોદ્દેદાર બનવું પ્રતિષ્ઠાની વાત છે. હવે પ્રતિષ્ઠા મેળવવા માટે ચેમ્બરના સભ્ય વચ્ચે શનિવારે ચૂંટણી યોજાઈ ગઈ. ચૂંટણીની તારીખ અને કાર્યક્રમ જાહેર થયો ત્યારથી સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પદના ઉમેદવાર હેમંત શાહ, વાઇસ પ્રેસિડેન્ટ પદના ઉમેદવાર કે. આઈ .પટેલ તથા ગૌરાંગ ભગત, પથિક પટવારી, અંકિત પટેલ, ચેતન શાહ, અંબર પટેલ તથા ભુપેન્દ્ર પટેલ સહિતના સભ્યોની પ્રગતિ પેનલની રચના કરી દેવામાં આવી હતી. પ્રગતિ પેનલ દ્વારા  જો ચેમ્બરનું સુકાન તેમને સોંપવામાં આવે તો તેઓ શું કરવા માગે છે તે એજન્ડા સાથે પોતાનો પ્રચાર પ્રસાર કરી રહ્યા હતા.

              સામાપક્ષે અત્યાર સુધી સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પદના ઉમેદવાર જયેન્દ્ર તન્ના, વાઇસ પ્રેસિડેન્ટ પદના ઉમેદવાર અશોક પટેલ તથા ભાવેશ લાખાણી પોતપોતાની રીતે પ્રચાર કરતા હતા. આખરે અશોક પટેલે ભાવેશ લાખાણીના સમર્થનમાં પોતાની ઉમેદવારી છેલ્લી ઘડીએ પરત ખેંચી હતી. જ્યારે અન્ય ઉમેદવારો અમિત લાલચંદ શાહ તથા કૈલાશ ગઢવીએ ચેમ્બરની ચૂંટણી રદ કરવા માટે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી પણ કોર્ટે તે મંજૂર રાખી નહતી. જોકે છેલ્લી ઘડીએ તમામ ઉમેદવારોએ એકજૂથ થઈને આત્મનિર્ભર પેનલની રચના કરી જેમાં સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પદના ઉમેદવાર જયેન્દ્ર તન્ના, વાઈસ પ્રેસિડેન્ટ પદના ઉમેદવાર ભાવેશ લાખાણી તથા અન્ય સભ્યો કૈલાશ ગઢવી. અરવિંદ ગજેરા, અમિત લાલચંદ શાહ, જગદીશ મોદી તથા મેઘરાજભાઈ ડોડવાની હતા અને તેઓએ ચૂંટણીમાં વિજય માટે પૂરે પુરું જોર લગાવ્યું છેઅગાઉ  જે કેટેગરીમાં જેટલી બેઠકો હતી તે ઉમેદવારો હોવાથી જે તે ઉમેદવારને ગુરૂવારે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા જેમાં પ્રમુખ તરીકે નટુભાઈ પટેલ, કોર્પોરેટ કેટેગરીમાં શૈશવ શાહ, પારસ દેસાઈ અને પ્રવીણ કોટક. જ્યારે રિજિયોનલ ચેમ્બરમાં વીપી વૈષ્ણવ તથા દિનેશ નાવડિયા અને સામાન્ય વિભાગ (બહારગામ) માટે  ભાર્ગવ ઠક્કર, મિતુલ શાહ, સુનીલ વડોદરિયા અને મહેશ પૂંજને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે.

(7:11 pm IST)