ગુજરાત
News of Saturday, 5th September 2020

2002માં 4 બ્રિટિશ નાગરિકોની હત્યાનો કેસ : પીએમ મોદીનું નામ કાઢવા કોર્ટનો આદેશ

કોર્ટે કહ્યું-પીએમ મોદી સામેના આક્ષેપ સામાન્ય-અસ્પષ્ટ અને પુરવા વિનાના : ફરિયાદમાં મોદી-ઝડફિયા, પૂર્વ IPS, IAS અધિકારીઓ સહિત 12ના નામ

પ્રાંતિજ :સાબરકાંઠાની એક સ્થાનિક કોર્ટે વડાપ્રધાન મોદીને રાહત આપતો ચુકાદો આપ્યો. પ્રાંતિજમાં પ્રિન્સિપલ સીનિયર સિવિલ જજ સુરેશ ગઢવીએ 2002ના ગોધરા કાંડ પછીના રમખાણોમાં 4 બ્રિટિશ નાગરિકોની થયેલી હત્યામાં વળતર મેળવવાના દાવા કેસમાંથી પીએમ મોદીનું નામ કાઢી નાંખવા આદેશ કર્યો છે.

આ કેસમાં ગુજરાતના તત્કાલી મુખ્યમંત્રી ર મોદી સાથે પૂર્વ IPS કે. ચક્રવર્તી અને અમિતાભ પાઠક તેમજ પૂર્વ IAS અધિકારી અશોક નારાયણ સાથે આરોપી તરીકે નામ હતા.કોર્ટે નોંધ્યું હતું કે આ દાવા કેસમાં આરોપી તરીકે મોદી સામે જે આક્ષેપો કરાયા છે, તે સામાન્ય અને અસપ્ષ્ટ છે. તેમજ તેમની આ કૃત્યમાં સીધી કે આડકતરી સંડોવણીના કોઇ નક્કર પુરાવા નથી.

 પીએમ  મોદી વતી એડવોકેટ એસ એસ શાહ દ્વારા કોર્ટમાં આ કેસમાંથી વડાપ્રધાન મોદીનું નામ આરોપી તરીકે કાઢવા અરજી દાખલ કરાઇ હતી. તેના અનુસંધાનમાં શનિવારે કોર્ટે ચુકાદો આપ્યો છે. શાહે કોર્ટમાં એવી દલીલ કરી હતી કે તેમના અસીલનું નામ આ દાવા કેસમાં કોઇ પણ કારણ અને જરુરિયાત વિના નાંખવામાં આવ્યું છે.

ગોધરા કાંડ પછી ફાટી નીકળેલા રમખાણોમાં 28 ફેબ્રુઆરી 2002ના રોજ નેશનલ હાઇવે નંબર 8 પર ચાર બ્રિટિશ નાગરિક સઇદ દાઉદ, શકીલ દાઉદ, મુહમ્મદ અસવતની ટોળાએ હત્યા કરી નાંખી હતી. આ લોકો આગરા અને જયપુરની મુલાકાત બાદ દક્ષિણ ગુજરાતમાં નવસારીના લાજપુર ગામેથી પરત થઇ રહ્યા હતા. ત્યારે ઘટનાસ્થળે ત્રણેય ને રહેંસી નાંખવામાં આવ્યા હતા. જ્યારે ચોથી વ્યક્તિનો મૃતદેહ મળ્યો નહતો તેથી તેને મૃત માની લેવામાં આવ્યો હતો.

2002માં સાબરમતી એક્સપ્રેસમાં ગોધરા ખાતે 57 કાર સેવકોની કરાયેલી હત્યા બાદ સમગ્ર ગુજરાતમાં કોમવાદી રમખાણો ફાટી નીકળ્યા હતા. તેમાં આ 4 બ્રિટિશ નાગરિકોની હત્યા કરાઇ હતી. તે કેસમાં 2015માં સ્પેશિયલ કોર્ટે તમામ 6 ઓરોપીઓને પુરાવના અભાવે દોષમુક્ત ઠેરવ્યા હતા. સુપ્રીમ કોર્ટે નીમેલી ખાસ તપાસ ટીમ (SIT)ને ગુજરાત રમખાણોના 9 મહત્વના કેસો પૈકીનો આ એક કેસ છે.

(11:27 pm IST)