ગુજરાત
News of Saturday, 5th September 2020

અમદાવાદમાં ગેલોપ્સ BMWના શો રુમ- વર્કશોપમાંથી 7 કોરોના પોઝિટિવ કેસ મળ્યા

એસ.જી. હાઇવે પર આવેલા શો રૂમ તથા વર્કશોપમાં 98 ટેસ્ટ કરાયાં

અમદાવાદઃ શહેરમાં કોરોના વાઇરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે મ્યુનિ. કોર્પોરેશન વિવિધ પગલાં લઇ રહ્યું છે. જેના ભાગરૂપે  શહેરના તમામ સાતેય ઝોનમાં એક સઘન ઝુંબેશ હેઠળ ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આજે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના પ્રોપર્ટી ટેક્ષ તથા હેલ્થ વિભાગે સંયુક્ત રીતે શહેરના દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ટેસ્ટિંગ કામગીરી કરી હતી. જેમાં એસ.જી. હાઇવે પરના ગેલોપ્સ ( BMW ) શો રૂમ તથા વર્ક શોપમાં કર્મચારીઓની કોરોના ટેસ્ટિંગની કામગીરી થઇ હતી. જેમાં કુલ 98માંથી 7 પોઝિટિવ કેસો મળી આવ્યા હતા.

કોરોના પોઝિટિવ આવેલા તમામ લોકોને મેડિકલ ટીમે તાત્કાલિક સારવાર આપી હતી. તેમ જ તેઓને જરૂરી તબીબી સારવાર અર્થે કોવિડ કેર સેન્ટર/ કોવિડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આગામી સમયમાં પણ મોટાપાયા પર તમામ ઝોનમાં વિવિધ સ્થળોએ સઘન ટેસ્ટીંગની કામગીરી કરવામાં આવનારી હોવાની કોર્પોરેશને જાહેરાત કરી છે

અગાઉ શહેરમાં ઓનગોઇંગ બાંધકામ/ સાઇટો પર ચકાસણી હાથ ધરી હતી. જેમાં અસંખ્ય કામદારો/ મજુરો કોરોના પોઝીટીવ મળી આવ્યા હતા. વચ્ચે વચ્ચે ગુરુકુળ રોડ પરના નવનીત હાઉસ તેમ જ શાહીબાગ સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થામાં પણ કોરોના ટેસ્ટીંગની કામગીરી હાથ ધરાઇ હતી. આજે માત્ર એક જ સ્થળે ચકાસણી કરી હોવા છતાં કોર્પોરેશને તેના આંકડા મોડેથી જાહેર કર્યા હતા. જેના કારણે લોકોમા અનેક તર્ક વિતર્કો થઇ રહ્યાં છે. તેની સાથોસાથ કોર્પોરેશનની ટેસ્ટીંગની કામગીરી પણ મંદ પડી ગઇ હોવાનું જણાયું છે.

 

(11:59 pm IST)